Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

દેશની આઝાદી બાદ નર્મદા જિલ્લાના અનેક ગામો વિકાસ થી વંચિત:સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા પણ નર્મદા જીલ્લામાં અનેક સ્થળો પ્રવાસીઓ માટે ફરવા લાયક :તેનો વિકાસ થતો નથી

કરજણ ડેમ નજીકના જુનારાજમાં પ્રવાસન કેન્દ્ર હોવા છતાં ગામમાં પાણી,રસ્તા જેવી જરૂરી સુવિધાઓનો અભાવ,રસ્તાના અભાવે પ્રવાસીઓની સંખ્યા નહિવત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર નર્મદા જિલ્લામાં જાણે ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ જ ધ્યાન આપી રહી હોય તેમ નજીક આવેલા અન્ય પ્રવાસન કેન્દ્રોના વિકાસ માટે સરકાર ધ્યાન આપતી નથી જેના કારણે જુનારાજ,નીનાઇ ધોધ,ઝરવાની ધોધ સહિત ના સ્થળો ઉપર પ્રવસીઓ જોવા મળતા નથી તો શું સરકાર ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ જ કરોડોનો ખર્ચ કરશે.

   રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમને અડીને આવેલુ જુનારાજ ગામ પ્રવાસન કેન્દ્ર છે,જંગલ ખાતાનું ઈકો ટુરીઝમ છે છતાં સુંદરપુરા ગામ થી વન વિભાગની ચેક પોસ્ટ થઈ જુનારાજ તરફ જતો રસ્તો સિંગલ પટ્ટી કાચો અને ધુળીયો છે.ગામમાં પાણીની લાઈનો નથી,નેટવર્કના કોઈ ઠેકાણા નથી,હિલ વાળા માર્ગ હોય ચોમાસામાં વાહન અવર જવરની પણ તકલીફ પડે છે તેમ છતાં આઝાદી બાદ પણ આ વિસ્તારનો ખાસ કોઈ વિકાસ થયો નથી.તો શું સરકાર નર્મદા જિલ્લા માં ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જ વિકાસ કરશે.

 

   ગામમાં પાણી,રસ્તા જેવી જરૂરી સુવિધા નથી : રેખાબેન વસાવા (સરપંચ,જુનારાજ)

 

જુનારાજના મહિલા સરપંચે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમારા ગામનો વિકાસ થતો નથી જરૂરી એવી પાણી અને રસ્તા જેવી સુવિધાઓ પણ મળી નથી ગામની લગભગ 2500 જેવી વસતી છે છતાં પાણીની લાઈનો અત્યાર સુધી નંખાઈ નથી માત્ર હેડપંપ છે એમાં પણ ઉનાળામાં પાણી ની મોટી તકલીફ પડે છે, નજીક માજ કરજણ ડેમ હોવા છતાં ગામ માં પાણીની તકલીફ છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ વિકાસ થતો નથી.

(4:18 pm IST)