Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમદાવાદ પોલીસના નામે વાયરલ થયેલો એ મેસેજ તદન ખોટો છેઃ આશીષ ભાટીયા

અનલોક કરવા માટે મુકેલો અંગુઠો મુશ્કેલી પેદા કરશે : વાયરલ મેસેજમાં ગુજરાત પોલીસના નવા લોગોના ઉપયોગથી પોલીસ ચોંકી ઉઠીઃ સાયબર ક્રાઇમને તપાસ સુપ્રત

રાજકોટ, તા., ૨૪: સોશ્યલ મીડીયા પર અનેક ભેજાબાજો દ્વારા લોકોને ગેરમાર્ગે  દોરવા માટે મુકાતા મેસેજોમાં વધુ એક વાયરલ મેસેજની ચકાસણી કરતા અને આ બાબતે અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાનો સંપર્ક સાધતા ઉપરોકત મેસેજ  તદન ખોટો હોવાનું અને અમદાવાદ શહેર પોલીસે આવા કોઇ જાતના મેસેજ ન કર્યાનું  જણાવ્યું છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ મામલામાં તપાસ કરવા  સાયબર ક્રાઇમને   સુચના અપાઇ હોવાનું પણ જાણવા મળે છે.

અમદાવાદ શહેર પોલીસ અને ખુબ જ અગત્યનું એવા હેડીંગ અને ગુજરાત પોલીસના નવા લોગો સાથે વોટસએપમાં કેટલાક એસએમએસથી સાવચેત રહો કે જે તમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા અથવા નવા વર્ષની શુભેચ્છા જેવા અક્ષરોને અનલોક કરવા માટે તમારા અંગુઠાને સ્ક્રીન પર મુકવા કહે છે. આવા એસએમએસથી સાવધ રહો અને તમારો અંગુઠો કયાંય મુકશો નહી. તમારા અંગુઠાની છાપને સ્કેન કરવાથી એપ્લીકેશન માલીકોને તમારા બાયોમેટ્રીક ડેટાની એકસેસ મળશે. આ ખુબ જ ગંભીર છે કારણ કે તમારૂ આધાર બાયમેટ્રીક પાન, બેન્કો વગેરે સાથે જોડાયેલું છે. ખુબ કાળજી રાખો અને સંદેશ ફેલાવો. સાયબર ક્રાઇમ હવે વધી રહયો છે. આમ ગુજરાત પોલીસના નામે અને પોલીસના લોગો સાથેના આ વાયરલ મેસેજને ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમને પણ તપાસ સોંપાયાનું સુત્રો જણાવે છે.

(1:12 pm IST)