Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કાર્નિવલ : લોકાર્પણ-ખાતમુહૂર્ત

૧૦૫૦ કરોડના કામ હાથ ધરાશે : સેલિબ્રિટી હશે

અમદાવાદ, તા.૨૪ : વર્ષ ૨૦૦૮થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(અમ્યુકો) દ્વારા યોજાતા કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે તા.૨૫થી તા.૩૧ ડિસેમ્બર સુધી યોજાનારા આ કાર્નિવલમાં તૈયાર કરાયેલા અલગ-અલગ સ્ટેજ ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાશે. કાર્નિવલના ઉદ્ઘાટન સમયે ડ્રેનેજ અને હાઉસીંગના મળી કુલ રૂ.૧૦૫૦ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તેમજ મુલાકાતીઓ માટે કાંકરિયા લેક ફ્રન્ટ નજીક આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાંકરિયા કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં જાણીતા કલાકારો ભરત બારીયા અને અક્ષર પટેલની ટીમ દ્વારા લોકનૃત્યો-લોકગીતોનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે કિર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, સાંઈરામ દવે, જીગરદાન ગઢવી, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ, કાજલ મહેરિયા, રાજલ બારોટ, તેજલ ઠાકોર, નીતિન બારોટ, વિજય સુવાળા, સરલા દવે, વિશ્વનાથ બાટુંગે તથા પાયલ વૈદ્ય દ્વારા દરરોજ સાંજે ગુજરાતી-હિન્દી પ્લેબેક સીંગીંગ, સુફી ગઝલ, લોક સંગીત તથા હાસ્ય દરબારના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાર્નિવલ દરમિયાન લોકાર્પણ અને ભૂમિપૂજનના કામોની વિગત નીચે મુજબ છે.

*   રૂ.૫૧૧.૫૯ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના-૨૦૧૬ અંતર્ગત એએમસી દ્વારા જુદી જુદી જગ્યાએ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઈડબલ્યુએસ આવાસો બનાવવાનું કામ

*   રૂ.૧૮૩.૪૧ કરોડના ખર્ચે દાણીલીમડા-બહેરામપુરા ખાતે ૩૦ એમએલડી બનાવવાનું કામ

*   રૂ.૧૨૫.૨૮ કરોડના ખર્ચે કેડિલા બ્રિજથી કોઝી હોટલ સુધી નારોલ-નરોડા રોડ ટ્રેન્ચલેસ પદ્ધતિથી નવી ડ્રેનેજલાઈન નાખવાના કામ

*   રૂ.૮૩.૧૬ કરોડના ખર્ચે એએમસી વિસ્તારોમાં ડ્રેનેજ પ્રોજેક્ટ- વિંઝોલમાં આવેલા હયાત ૭- એમએલડીએસટીનું અપગ્રેડેશન અને નવો ૩૫ એમએલડી ક્ષમતાનો સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામ હાથ ધરવામાં આવશે

*   ૭૧.૭૭ કરોડના ખર્ચે એએમસીના પૂર્વ ઝોન વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ હેઠળ આરસીસી પાઈપલાઈન નાંખવાના કામ

*   રૂ. ૬૮ કરોડના ખર્ચે ફાસ્ટ ર્ચાજિંગ ટેકનોલોજીથી સુસજ્જ ઈલેક્ટ્રિક બસો તથા ર્ચાજિંગ સ્ટેશનો

*   રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે બહેરામપુરા વોર્ડમાં ન્યૂ.ફૈઝલનગર પમ્પિગ સ્ટેશન પાસે આવેલી ટીપી સ્કીમ નં-૩૮/૧ અને પ્લોટ નંબર ૧૮૩/એમાં નવું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાના કામ

*   ૧.૬ કરોડના ખર્ચે કાંકરિયા મ્યુનિસિપલ શાળા નં-૫ અને ૬માં સ્માર્ટ સ્કૂલ બનાવવાના કામ

*   રૂ.૧.૬ કરોડના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં કાયમી ધોરણે ડેકોરેટિવ લાઈટિંગ કરવાની કામગીરી

*   રૂ.૨૬ લાખના ખર્ચે શહેરમાં બીમાર પશુઓની સારવાર માટેની બે નવી એમ્બ્યુલન્સ વાન

(8:26 pm IST)