Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભાજપના સોશ્‍યલ મીડિયાના વોરરૂમમાં 100 જેટલા યુવક-યુવતીઓ સક્રિયઃ મધ્‍ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના પાંચ ભાગમાં સતત કાર્યરત

નેતાઓની ટુંકી ક્‍લિપ્‍સ બનાવવી, વાયરલ કરવી, વિરોધીઓના આરોપનો જવાબ આપવા ઉપર બાજ નજર

અમદાવાદઃ ભાજપના સોશ્‍યલ મીડિયા વોરરૂમમાં 100 જેટલા યુવક-યુવતીઓ સક્રિય છે.

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ ચૂંટણીમાં અલગ-અલગ મુદ્દા બહુ ઝડપથી સામે આવી રહ્યા છે અને આ મુદ્દાને સોશિયલ મીડિયા પર મૂકવા અને તેના પર સોશિયલ મીડિયામાં જ જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. પોતાની સોશિયલ મીડિયા ટીમનો સારી રીતે ઉપયોગ કરવા માટે ભાજપ જાણીતું છે. 

આમ તો સોશિયલ મીડિયાનો 365 દિવસ ભાજપ સારી રીતે ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે સોશિયલ મીડિયા ટીમ સિવાય નવા લોકોને પણ તૈયાર કરવામાં આવે છે. જેમાં યુવક અને યુવતીઓને સ્થાન આપવામાં આવે છે. આ જ થીમ પર ગુજરાતમાં ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા ટીમનો એક વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 100 યુવક-યુવતીઓ સતત ભાજપ માટે સોશિયલ મીડિયાથી વિરોધીઓ પર હુમલા કરી રહ્યા છે. વિરોધીઓને એકપણ ભૂલ પર બીજેપીના વોર રૂમમાં બેઠેલા આ લોકો વીડિયો વાયરલ કરી દે છે.

આ વોર રૂમ પાંચ ભાગમાં વહેંચાયેલો છે, તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્નો સમાવેશ થાય છે. આ પાંચ ભાગોમાં આવતા જિલ્લાઓની કામગીરી અલગ-અલગ ટીમો દ્વારા કરવામાં આવે છે. જેમાં જે તે જિલ્લામાં ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી કે ભાજપના મોટા નેતાઓની રેલીનો મુખ્ય મુદ્દો લોકોમાં વાયરલ કરવાનો હોય છે. નેતાઓની ટૂંકી ક્લિપ્સ બનાવીને વાયરલ કરવાની સાથે વિરોધીઓના આરોપનો જવાબ આપવો બધું અમદાવાદમાં ઉભા કરાયેલા વોર રૂમમાંથી થઈ રહ્યું છે.

અમે આ વોર રૂમના વડા પંકજ શુક્લા સાથે વાતચીત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ભાજપ પાસે આવા 10,000 સમર્પિત કાર્યકરો છે જેઓ સોશિયલ મીડિયા પર સતત પાર્ટીનું કામ જુએ છે, ગુજરાતના વોર રૂમમાં હાજર યુવક-યુવતીઓ છે. આ 10,000 સમર્પિત ભાજપના કાર્યકરો સુધી તમામ વિડિયો અને માહિતી પહોંચાડવામાં આવે છે, ત્યારબાદ ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર કામ કરવા માટે ભાજપ દ્વારા સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી હતી, જેની સંખ્યા સમગ્ર ગુજરાતમાં 50000 છે, આ તમામ લોકોને તમામ માહિતી મોકલવામાં આવે છે. વોર રૂમનો પણ એક ભાગ છે જેથી 50000 સ્વયંસેવકોની મદદથી દરેક જિલ્લામાં સામાન્ય જનતા સુધી માહિતી પહોંચાડી શકાય.

આ વોર રૂમમાંથી ન્યૂઝ ચેનલ પર પણ સતત નજર રાખવામાં આવે છે, જેથી ચેનલ પર જો કોઈ સમાચાર પ્રસિદ્ધ થાય જેમાં કોઈપણ પક્ષનો નેતા ભાજપ વિરોધી વાત કરી રહ્યો હોય અથવા તથ્યો સાથે છેડછાડ કરતો જોવા મળે તો તેને તરત જ સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવે. સાચી માહિતી સાથે જવાબ આપવાનું કામ કરવામાં આવે છે.

આજે સોશિયલ મીડિયાનો યુગ છે પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયામાં આવતી વસ્તુઓ સાચી નથી હોતી અને આ કારણોસર તમામ પક્ષો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેથી સાચી હકીકત લોકો સુધી પહોંચાડી શકાય, તે જોવાનું રહે છે. ભાજપ દ્વારા આ વોર રૂમ સેટઅપથી તેમને ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે.

(6:05 pm IST)