Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગણદેવીમાં એક શાળા ખોલી દેવામાં આવતાં ભારે હોબાળો

કોરોના કાળમાં નિયમોનો સરેઆમ ભંગ :સીબીએસઈ બોર્ડે વિદ્યાર્થીને કોર્સમાં સમજાતું ન હોય તો સ્કુલે બોલાવવા એવી સુચના આપ્યાનો આચાર્યનો બચાવ

નવસારી, તા. ૨૪ : કોરોના મહામારીના પગલે રાજ્યભરની તમામ શાળાઓ બંધ જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર  દ્વારા ૨૩ નવેમ્બરથી શાળાઓ ખોલવાના નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવીમાં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૧૨નાં નિયમોને નેવે મુકીને શાળાના ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ અંગેના વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.

વીડિયોમાં ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને શિક્ષક શાળામાં જ ભણાવી પણ રહ્યાં છે. ક્લાસરૂમમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવી રહ્યાં છે. ભણાવી રહેલા શિક્ષકે સાહેબે તો માસ્ક પણ પહેર્યું નથી. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્ગો શરૂ કરનાર સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓના વાલીઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.

શાળાના આચાર્યએ હાથ ઉંચા કરી લેતા કહ્યું હતું કે, અમારા પર શાળા શરૂ કરવા વાલીઓનું દબાણ હતું. વાલીઓએ રજૂઆત કરી હતી કે, અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તેથી અમે શાળા શરૂ કરી છે. અમારૃં સીબીએસઈ બોર્ડ છે અને અમને બોર્ડે એવું કહ્યું છે કે, જો બાળકોને અભ્યાસક્રમમાં કંઇ ખબર ન પડતી હોય તો તમે તેમને શાળામાં બોલાવી શકો છો. માટે જ અમે ક્લાસ શરૂ કર્યા હતાં.

આ ઘટનાને લઈને ગુજરાત કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા કરતા કહ્યું હતું કે, આ ગંભીર અને ચેતવણી રૂપ છે. આ ઘટના પરથી એકવાત સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. હપ્તા લેવાના કારણે કોઇપણ ખાનગી શાળાના સંચાલકો સામે કોઇ પગલા લેવાતા નથી. તેનું આ ફરી ઉદાહરણ સામે આવ્યું છે.

(9:04 pm IST)