Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં સરકારની બેદરકારી જવાબદાર

એનએચઆરસીનો રિપોર્ટમાં ખુલાસો : મે-૨૦૧૯માં સુરતમાં બનેલ ગમખ્વાર આગની દુર્ઘટનામાં ૨૨ જેટલા વિદ્યાર્થીએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા

સુરત,તા.૨૪ : દોઢ વર્ષ પહેલા મે-૨૦૧૯માં સુરતમાં બનેલી ગમખ્વાર આગની દુર્ઘટનામાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય માનવતા અધિકાર પંચએ સોમવારે રાજ્યના ચીફ સેક્રેટરી પાસેથી આ દુર્ઘટનામાં મૃતકોના સંબંધીઓને શું અને કેટલું વળતર આપવામાં આવ્યું છે તે અંગે રિપોર્ટ માગ્યો હતો. જે બાદ એનએચઆરસીએ પોતાના અહેવાલમાં દુર્ઘટના માટે સરકાર અને અધિકારીઓની બેદરકારીને મુખ્ય કારણ તરીકે જવાબદાર ઠેરવ્યું હતું. આ ઘટનાની લઈને આરટીઆઈ કાર્યકર્તા સંજય ઇઝાવાએ એનએચઆરસીમાં અનેક ફરિયાદો કરી હતી. ઇઝાવાએ ૨૦૧૯માં ૨૮ મેના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી. જેના આધારે પંચે ગુજરાત સરકાર, સુરત જિલ્લા કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસ કમિશનર પાસેથી જવાબ માગ્યા હતા અને તપાસ અહેવાલની માગણી કરી હતી.

           પંચને આપવામાં આવેલા જવાબો અને તપાસ અહેવાલના આધારે પંચે દુર્ઘટના માટે સરકાર અને તેના અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. એનએચઆરસી દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરીને લખવામાં આવેલ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અહેવાલ મુજબ દુર્ઘટના માટે રાજ્ય સરકારના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે. અને પોતાના કર્મચારીઓની બેદરકારી માટે રાજ્ય સરકાર પણ સરખા ભાગે જવાબદાર છે. તેમજ અમને સોંપવામાં આવેલ અહેવાલમાં પીડિતો અથવા પીડિતના પરિવારને કોઈ વળતર આપવામાં આવ્યું છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

            જેથી આગળ આ સંદર્ભે અમને અહેવાલ સોંપવામાં આવે. ઇઝાવાએ કહ્યું કે સરકારે દરેક મૃતકના પરિવારને ૪ લાખનું વળતર આપ્યું છે પરંતુ અમારી માગણી પ્રતિ ભોગ બનનારે ૫૦ લાખની છે. તેમજ આગની દુર્ઘટનાને લઈને અનેક મુદ્દા સાથે અમે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ પણ ફાઇલ કરી છે. એનએચઆરસીએ પોતાના અહેવાલમાંએ પણ સ્પષ્ટ કર્યું છે કે દુર્ઘટના બનતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસ કમિશનરે તમામ જરુરી પગલા તાત્કાલીક ધોરણે લીધાનું જણાય છે. આગને કાબુમાં લેવા અને બચાવ- રાહત કાર્યો માટે સ્થાનિક તંત્ર દ્વારા ઝડપથી પગલા લેવામાં આવ્યા હોવાની સ્વિકૃતી એનએચઆરસીના પત્રમાં છે.

(7:53 pm IST)