Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ નહીં યોજાઈ : મેયર બિજલ પટેલે કરી જાહેરાત

ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે AMC દ્વારા નિર્ણય લેવાયો

અમદાવાદ : શહેરની ઓળખ સમા કાંકરિયા કાર્નિવલ આ વર્ષે કાર્યક્રમ યોજવામાં નહીં આવે તેવી મેયર બિજલ પટેલે જાહેરાત કરી હતી.25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધન અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસ હોવાથી તેમની સ્મૃતિમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન શરૂ કરાયું હતું. 

 વર્ષ 2008માં તત્કાલિન મુખ્યમંત્રી  મોદીએ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ હતી. દર વર્ષે 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ  યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો કાંકરિયાની મુલાકાતે આવતા હતા. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ વધતું હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડ લાઈન મુજબ ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ હોવાને કારણે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ પર પ્રતિબંધની જાહેરાત કરતા અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું કે દુનિયા, દેશ અને શહેરમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના કાયદા અનુસાર એક જગ્યા પર મર્યાદિત સંખ્યા કરતાં વધારે લોકો ભેગા થાય તે હિતાવહ નથી. શહેરીજનોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. વર્ષ 2017-18માં કાર્નિવલ પાછળ રૂ.4 કરોડથી વધુ રૂપિયા ખર્ચાયા હતા. વર્ષ 2018-19માં આ રકમ વધીને 5.50 કરોડ પહોંચી ગઇ હતી. જ્યારે વર્ષ 2019-20માં કાંકરિયા કાર્નિવલ પાછળ 7.50 કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ કરવામાં આવ્યો હતો

(6:27 pm IST)