Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં કોરોનાએ સ્પીડ પકડતા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં પણ ઝડપી વધારો : નવા 29 વિસ્તારો ઉમેરાયા

બે દિવસમાં જ આશરે 50 જેટલા વિસ્તારોનો વધારો

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઝડપી ઉછાળો આવતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે, રવિવારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 127 હતી તેમાં સોમવારે 4 વિસ્તાર બહાર કઢાયા હતા.જ્યારે 29 નવા ઝોનને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરાતા આવા વિસ્તારોની સંખ્યામાં હરણફાળ વધારો નોંધાયો હતો અને તેની સંખ્યા વધીને 152 થઇ ગઇ છે.હજુ ગત શનિવારે જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની  સંખ્યા 105 હતી

બે દિવસમાં જ આશરે 50 જેટલા વિસ્તારોનો વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર કોરોના મૃત્યુદરની દૃષ્ટિએ ટોપ પર છે. મુંબઇમાં  3.90 ટકા, કોલકાતામાં 2.50 ટકા, સુરતમાં 2.10 ટકા છે.

જ્યારે અમદાવાદમાં તે તે 4.1 ટકા છે. જે ખરેખર ચિંતાના વિષય છે. હમણા એક સપ્તાહથી કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરુપ લીધું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કોરોના સંક્રમણ અટકાવવા લેવાતા શ્રેણીબદ્ધ પગલાંની દરરોજ સમીક્ષા બેઠક મળે છે. સોમવારે પણ રાબેતા મુજબ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં અન્ય ડેપ્યુટી કમિશનરો સાથે હેઠળ બેઠક મળી હતી. જેમાં 4 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી બહાર કરવાનો અને કોરોનાનો ફેલાવો વધતા નવા 29 એરિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો

બહાર કઢાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પશ્ચિમના 3 અને ઉત્તર-પશ્ચિમના એક વિસ્તારનો સમાવેશ થાય છે.જ્યારે નવા ઉમેરાયેલા 29 કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સૌથી વધુ 14 દક્ષિણ-પશ્ચિમ ઝોનના છે. ત્યાર બાદ દક્ષિણ ઝોનના 7, પશ્ચિમ ઝોનના 5, પૂર્વના 2 અને મધ્યઝોનના એક વિસ્તારોનો સમાવેશ થાય છે

(10:37 pm IST)