Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

નરેન્દ્રભાઇ મોદી રાજનાથસિંહની અધ્યક્ષતામાં કેવડીયા કોલોનીમાં ડીજી કોન્ફરન્સઃ સ્ટેચ્યુ ઓફ યુનીટી જાહેર જનતા માટે ૩ દિવસ બંધ

અમદાવાદઃ કેવડિયા કોલોની ખાતે બનેલી વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ થયું ત્યારથી જ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. દિવાળીની રજાઓ દરમિયાન પણ નિગમને જંગી કમાણી થઈ હતી. રોજના હજારો મુલાકાતીએ તેને જોવા માટે આવતા હોય છે. પરંતુ જો તમે આગામી મહિને ક્રિસમસ પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમને ધક્કો ખાવો પડી શકે છે.

એક સ્થાનિક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ આગામી 20થી 22 ડિસેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રણ દિવસ માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. આ દિવસો દરિમિયાન કેવડિયા કોલોની ખાતે DG કોન્ફરન્સ યોજાવાની છે, જેના કારણે તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી રાજનાથ સિંહ હાજર રહેવાના છે. જેથી આ દિવસોમાં અહીં આવનારા લોકોને ધક્કો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સાફ-સફાઈ અને મેઈન્ટેનન્સના કામના કારણે દર સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવતું હોય છે. 31મી ઓક્ટોબરે દેશના લોહ પુરુષ સરદાર પટેલના જન્મદિવસે PM મોદીના હસ્તે કેવડિયા ખાતે રૂપિયા 3000 કરોડની કિંમતે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 1લી નવેમ્બરથી તેને જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

 

(5:23 pm IST)