Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

દારૂ પીતા પકડાયેલા ત્રણ લોકોને કોર્ટે રૂ. ૫૦૦નો દંડ ફટકારી જવા દીધા

આરોપીઓએ કોર્ટ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કરતા કહ્યું કે, તેમણે મજા માટે નહી પરંતુ બેરોજગારીના દુઃખને ભૂલાવવા માટે દારૂ પીધો હતો : આરોપીઓની કબૂલાત સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય કર્યો

અમદાવાદ તા. ૨૪ : ગાંધીનગરના કલોલમાં આવેલી મેજિસ્ટ્રીયલ કોર્ટે એક કેસમાં ત્રણ દારુડિયાઓને ૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો અને એક દિવસ માટે કોર્ટનું કામકાજ કઈ રીતે થાય છે તે જોવાનો આદેશ આપ્યા બાદ છોડી મૂકયા. આરોપીઓએ કોર્ટ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું કે, તેમણે મજા માટે નહીં પરંતુ બેરોજગારીના દુઃખને ભૂલાવવા માટે દારૂ પીધો હતો. આરોપીઓની કબૂલાત સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય કર્યો.

રાજયમાં દારૂબંધીના નવા કડક કાયદા પ્રમાણે, પહેલીવાર દારૂ પીનારા શખ્સને એક મહિનાની જેલની સજા ફટકારાય છે. કોર્ટે અવલોકયું કે, કોર્ટનો સમય અન્ય ગંભીર કેસો માટે મહત્વનો છે. આ કેસના આરોપીઓએ પોતાનો પહેલો ગુનો કબૂલી લીધો છે અને માફી માગી છે. સાથે જ ભૂલ સુધારવાનું વચન આપ્યું હોવાથી કોર્ટે હળવી સજા ફટકારીને તેમને જવા દીધા.

આ વર્ષની શરૂઆતમાં આ કેસના આરોપીઓ કાંતિજી ઠાકોર અને મહેશ સેનમાની ધરપકડ કરાઈ હતી. ગયા વર્ષે હસમુખ પરમાર દારૂ પીને રોડ પરથી ફરતો હતો ત્યારે પકડાયો હતો. ત્રણેય આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારતી પરશીસ (purshis- કોર્ટને લેખિતમાં પુરાવા તરીકે આપેલી ચિઠ્ઠી) કોર્ટને આપી હતી. કબૂલાતનામામાં આરોપીઓએ કહ્યું કે, આ તેમનો પ્રથમ ગુનો છે. તેઓ ગરીબવર્ગમાંથી આવે છે અને તેમની પાસે આવકનો કોઈ ચોક્કસ  સ્ત્રોત નથી. તેઓ મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે.

આરોપીઓએ કોર્ટમાં રજૂ કરેલી પરશીસમાં લખ્યું કે, 'મને દરરોજ કામ ન મળતું હોવાથી હું મારા પરિવારને મદદ નથી કરી શકતો. આ જ તણાવના કારણે દારુ પીધો. મારી આર્થિક સ્થિતિ નબળી છે. જો આ કેસની ટ્રાયલ ચાલશે તો મારે વારંવાર કોર્ટના ધક્કા ખાવા પડશે અને વકીલ પણ રોકવો પડશે. જો હું કોર્ટની સુનાવણી દરમિયાન હાજર રહીશ તો માંડ મળતો રોજનો પગાર પણ ગુમાવવો પડશે.' આરોપીઓએ વચન આપ્યું કે જો તેમનો ગુનો માફ કરી દેવાશે તો તેઓ ભૂલ સુધારી લેશે.

કોર્ટે અવલોકયું કે, જો તમામ પુરાવા અને સાક્ષીઓને તપાસ્યા બાદ આરોપી ગુનેગાર સાબિત થઈ શકે છે પરંતુ કેસની હાલની સ્થિતિ અને કેસને જોતાં ટ્રાયલ ચલાવવી યોગ્ય નથી. જો કોર્ટ આરોપીના કબૂલાતનામાને માન્ય રાખે તો આરોપી, પબ્લિક પ્રોસિકયુટર, સાક્ષીઓ અને કોર્ટનો સમય બચી શકે છે. કોર્ટ આ સમયનો ઉપયોગ કરીને અન્ય કેટલાક ગંભીર કેસોનો નિવેડો લાવી શકે છે. એટલે આ આરોપીઓને થોડી સજા અને લઘુત્તમ દંડ ફટકારીને જવા દેવા જોઈએ.

(10:51 am IST)