Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

અમદાવાદ સિવિલ મેડિસીટીની IKDRCમાં ગરીબ પરિવારની બાળાના શરીરમાં વિનામૂલ્યે કિડનીનું પ્રત્યારોપણ થયું

શાળા આરોગ્ય કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગતની સારવારથી બાળકની જીવનમાં ઉજાસ પથરાતો વધુ એક કિસ્સો વૃષ્ટિ પૂજારાને જન્મથી એક જ કિડની હતી અને તે પણ ફેઇલ થઈ ગઈ હતી

અમદાવાદ સ્થિત ભારતની સૌથી મોટી ટ્રાન્સપ્લાન્ટેશન ઇન્સ્ટિટ્યૂટનું ગૌરવ ધરાવતી  ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર ( IKDRC)માં રાજ્ય સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અન્વયે વૃષ્ટિ પૂજારા નામની બાળાના શરીરમાં કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. એક સામાન્ય પરિવારની દિકરીના જીવનમાં સરકારના આ કાર્યક્રમોના કારણે નવજીવનનો ઉજાસ રેલાયો છે અને આ માસૂમ દિકરીએ હવે સ્વસ્થ જીવન સાથે ઉજ્જવળ ભાવિની દિશામાં ડગ માંડ્યા છે.
IKDRCના નિયામક ડો. વિનીત મિશ્રાએ આ કેસની વિગત આપતા જણાવ્યું કે, હાલ સાતમાં ધોરણમાં ભણતી વૃષ્ટિ પુજારાને જન્મજાત એક કિડની હતી. થોડા સમય પહેલા વૃષ્ટિના તેના પગમાં સોજા આવ્યા ત્યારે પરિવારે સ્થાનિક જનરલ પ્રેકટિશનરને બતાવ્યું. તેણે સોનોગ્રાફી કરાવડાવી, જેમાં ખબર પડી કે આ દિકરીને જન્મથી એક જ કિડની છે અને તેના પર પણ છેલ્લાં વર્ષોમાં અસર થતા કિડની ફેઇલ થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં વૃષ્ટિની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો. વૃષ્ટિના માતાપિતા સ્ટેશનરીનું કામ કરે છે અને તે આટલો તોતિંગ ખર્ચ અને સમય કાઢી શકે એમ હતા નહીં. ડોક્ટરે તુરંત વૃષ્ટિને અમદાવાદ IKDRC લઇ જવાની સલાહ આપી હતી.
વૃષ્ટિના માતાપિતા તુરંત વૃષ્ટિને IKDRC લઇ આવ્યા, જ્યાં વૃષ્ટિને ડાયાલિસિસ પર મૂકવામાં આવી અને સાથે સાથે ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રયત્નો પણ શરૂ થયા.
પહેલા માતાએ અને પછી પિતાએ, બંનેએ કિડની આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેમની કિડની મેચ ન થઈ. તાજેતરમાં બ્રેઇનડેડ દર્દીની કિડનીનું અંગદાન આવતા, વૃષ્ટિમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું અને હવે તે ડિસ્ચાર્જ પણ થઈ જશે. હવે તે એક સામાન્ય જિંદગી વ્યતિત કરી શકશે. એક ઉજ્જવળ ભવિષ્ય હવે તેની સામે છે.
અત્રે ખાસ નોંધનીય છે કે સ્કૂલ હેલ્થ કાર્યક્રમ હેઠળ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અન્વયે વૃષ્ટિની સમગ્ર સારવાર થઈ હોવાના કારણે વૃષ્ટિના પરિવારજનોને સારવાર પાછળ કોઇ જ ખર્ચ થયો નથી. સ્કૂલ હેલ્થ કાર્યક્રમના કારણે હોસ્પિટલમાં બધી  જ સારવાર અને દવા બિલકુલ ફ્રી - વિનામૂલ્યે થઈ છે.
IKDRCના નિયામક ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, રાજ્ય સરકારનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સ્કૂલમાં ભણતા બાળકો માટે ખુબ જ આશીર્વાદરૂપ બન્યો છે. તેનાથી બાળકોમાં રહેલી ખામીઓનો સમયસર ઇલાજ થાય છે. 
વૃષ્ટિના માતા આરતીબહેન પૂજારાએ આ પળે ખાસ કહ્યું છે કે જો કોઇના પણ બાળકને થોડી પણ સમસ્યા જણાય તો તેની પ્રત્યે ઉદાસીનતા ન સેવશો. તુરંત ડોક્ટરની સલાહ લો. સૃષ્ટિના માતાએ IKDRCના ડોક્ટર્સ, સ્ટાફ તથા તેમની મદદે આવનારા સૌનો આ પળે આભાર માન્યો હતો( અમિતસિંહ ચૌહાણ)

(5:18 pm IST)