Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ ખોલી પોલ: કહ્યું-'ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે

'IAS, IPS, જીપીએસસી કક્ષાની જે પરીક્ષાઓ લેવાઈ તેમાં ગુજરાતના ગણ્યાં ગાઠ્યા જ ઉમેદવારો પાસ થયા : ગ્રામ્ય શિક્ષણ પાયાથી જ નબળું

અમદાવાદ :ગુજરાતનું ગ્રામ્ય શિક્ષણ પાયાથી જ નબળું છે. IPS અને GPSCની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા જ ગુજરાતના ઉમેદવારો પાસ થયા છે. આ પરીક્ષામાં સૌથી વધુ ઉત્તરપ્રદેશ અને બિહારના ઉમેદવારો પાસ થયા છે. આવું  ખુદ સત્તાધારી પક્ષના સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણની પોલ ઉઘાડી છે.

નર્મદા જિલ્લામાં આવેલ જીતગઢ ખાતે કરજણ સિંચાઈની કેનાલના રીનોર્વેશનનું ખાતમુહૂર્ત પ્રસંગે મનસુખ વસાવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ વિશે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.

જીતગઢ ખાતે ખાતમુહૂર્ત પ્રસંગે હાજરી આપતા ગુજરાતમાં શિક્ષણના કથળતા સ્તરને લઈને તેમણે જણાવ્યું હતું કે, 'IAS, IPS, જીપીએસસી કક્ષાની જે પરીક્ષાઓ લેવાઈ તેમાં ગુજરાતના ગણ્યાં ગાઠ્યા જ ઉમેદવારો પાસ થયા છે. આ પરીક્ષામાં સૌથી વધારે બિહાર અને ઉત્તરપ્રદેશના ઉમેદવારો પાસ થયા છે. સીધી વાત છે ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. મારી વાત પર ઘણા લોકો કહે છે કે, મનસુખભાઈ સરકારની ટીકા ટિપ્પણી કરે છે, પણ ભાઈ હું સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો, હું પણ સરકારનો એક પાર્ટ છું, પણ જે હકીકત છે એ કહેવી પડે. આ પરિણામ દર્શાવે છે.'

ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નબળું હોવાની વારંવાર ફરિયાદો ઊઠી રહી છે. અંતરિયાળ ગામડાઓમાં શિક્ષકો શાળાએ ન આવતા હોવાની પણ ફરિયાદો થાય છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ મોટા ભાગની શાળાઓમાં બાળકોની સંખ્યા સામે પુરતા શિક્ષકો નથી. તાજેતરમાં જ સરકારે ગ્રામીણ સ્તરે અનેક શાળાઓને મર્જ કરવાનું પણ નક્કી કર્યું છે.

તો છેલ્લા 3 વર્ષમાં અનેક શાળાઓ ખંડેર હાલતમાં હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. આવા અનેક મુદ્દાઓ છે જે ક્યાંક શિક્ષણની ગુણવત્તા નબળી હોવાની ચાડી ખાય છે. આ ઉપરાંત ભરતીઓના આંકડાઓ અને પરિણામો પણ ક્યાંકને ક્યાંક તેમના નિવેદનને સાચું ઠેરવે છે.

(7:56 pm IST)