Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નરેશ કનોડિયાના મોતની અફવા ફેલાઇઃ પુત્ર હિતુ કનોડિયાએ ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ થતા તેઓ હાલમાં હોસ્પિટલાઇઝ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેમના મોતને લઇને અફવા ફેલાઇ રહી છે. જો કે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ પણ આને અફવા ગણાવી છે. હિતુ કનોડિયાએ જણાવ્યું કે, ‘હાલમાં તેમની તબિયત સ્થિર છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં નરેશ કનોડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 77 વર્ષીય નરેશ કનોડિયાની તબીયત નાજુક થતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતાં. હાલમાં હજી ત્યાં સારવાર ચાલી રહી છે.

આ મામલે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે બાદમાં તેમણે આ ટ્વિટ ડિલિટ કરી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળી રહ્યાં છે.

નરેશ કનોડિયાના મોતની અફવા ફેલાતા તેમના પુત્ર હિતુ કનોડિયાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, ‘તમારી સૌની પ્રાર્થના કામ કરી રહી છે. મારા પપ્પા સ્ટેબલ છે અને યુ.એન મહેતામાં તમામ ડોક્ટર મળીને તેમની સંભાળ લઇ રહ્યાં છે. બસ પ્રાર્થના કરો કે તેઓ જલ્દી સાજા થઇને હોસ્પિટલમાંથી બહાર આવે. ખાસ કરીને લોકોએ અફવાઓ પર ધ્યાન આપવું જોઇએ નહીં. લોકોને એવી અપીલ છે કે, આવી અફવાઓથી ન તો માત્ર દૂર રહે પરંતુ આવી અફવાઓ પણ ફેલાવવામાં ના આવે.

(4:15 pm IST)