Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અમદાવાદના અમરાઇવાડી વિસ્‍તારમાં એએમટીએસ બસ હડફેટે મહિલાનું મોતઃ ડ્રાઇવર-કંડકટર બસ મુકીને પોલીસ સ્‍ટેશને હાજર થઇ ગયા

અમદાવાદ: શહેરના રસ્તાઓ પર એક BRTS અને એક AMTS બસ લોકો માટે કાળમુખી બનીને જ દોડતી હોય છે. ત્યારે હાલમાં અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા નજીક AMTS બસે એક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં તે મહિલાનું મોત નિપજ્યું છે. જો કે આ ઘટના બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતાં. AMTS બસના ડ્રાઇવર અને કંડકટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં.

ડ્રાઈવર-કંડક્ટર બસ મૂકીને પોલીસ સ્ટેશને પહોંચ્યા

મળતી વિગત અનુસાર, અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા નજીક AMTSની બસે એક સિનિયર સિટીઝન મહિલાને અડફેટે લીધી હતી. જેથી AMTS બસની ટક્કર વાગતા જ ઘટના સ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મહિલાનું નામ ગીતાબેન દેવીપૂજક છે. જેઓની ઉંમર 55 વર્ષ હતી. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં તેમજ પોલીસનો કાફલો પણ દોડતો થઇ ગયો હતો. જો કે લોકોનું ટોળું એકઠું થતા AMTS બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર-કંડક્ટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. તો બીજી બાજુ, અકસ્માત બાદ બસમાં બેઠેલા મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતાં.

બસ રૂટ નંબર 142ની વસ્ત્રાલથી લાલ દરવાજા જતી હતી

AMTSની આ બસ રૂટ નંબર 142ની વસ્ત્રાલથી લાલ દરવાજા જતી બસ હતી. જે શહેરની એક સિનિયર સિટીઝન મહિલા માટે કાળમુખી બનીને આવી હતી. આમ, ખાલી રસ્તાઓ પર પણ હવે AMTSની બસોના અકસ્માત સર્જાવા લાગ્યાં છે. નોંધનીય છે કે BRTS અને AMTSની બસો પૂરપાટે જતી હોવાથી શહેરમાં ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે. જો કે આ બાબતને BRTS અને AMTSના કર્મચારીઓએ ગંભીરતાથી લેવાની જરૂર છે.

અગાઉ પણ સેટેલાઈટના ઈસ્કોન ચાર રસ્તા નજીક એક યુવાનનું મોત નિપજ્યું હતું

બસ-ડ્રાઇવરની બેદરકારીને કારણે કેટલાંય લોકોએ એક્સિડન્ટમાં પોતાના જીવ ગુમાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સેટેલાઈટના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસની ટકકરથી એક 26 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. GPSC એક્ઝામની તૈયારી કરતો યુવક ધાંગધ્રાથી બાઇક લઈને પુસ્તકો લેવા અમદાવાદ આવ્યો હતો. SG હાઇવે પોલીસે અકસ્માત કરી મોત નિપજાવવા અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

(4:14 pm IST)