Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગુજરાતમાં વડીલો કેટલા સલામત? ગુનાના કેસોમાં સતત વધારો

૨૦૧૮ કરતાં વર્ષ ૨૦૧૯માં વડીલો પર થતાં ગુન્હામાં બે ગણો વધારોઃ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો

રાજકોટઃ ગુજરાતમાં પ્રત્યેક દિવસે સરેરાશ ૧૧ વરિષ્ઠ નાગરિક ગુનાનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે ગુજરાતમાં ૬૦થી વધુ વયના કુલ ૪૦૮૮ વ્યકિતઓ ગુનાનો ભોગ બન્યા હતા. એક જ વર્ષમાં દેશના જે રાજયોમાં સૌથી વધુ સિનીયર સિટીઝન ગુનાનો ભોગ બન્યા હોય તેમાં મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત દેશના જે મહાનગરોમાં સિનીયર સિટીઝન એક વર્ષમાં ગુનાનો સૌથી વધુ ભોગ બન્યા હોય તેમાં અમદાવાદ ત્રીજો અને સુરત પાંચમો ક્રમ ધરાવે છે. 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં સિનીયર સિટીઝન પર થતાં ગુનાના કેસમાં પ્રત્યેક વર્ષે સતત વધારો થઇ રહ્યો છે.વર્ષ ૨૦૧૭માં ૧૦૯૯, વર્ષ ૨૦૧૮માં ૨૧૨૬ અને વર્ષ ૪૦૮૮ સિનીયર સિટીઝન ગુનાનો ભોગ બન્યા હતા. આમ, વર્ષ ૨૦૧૮ કરતાં વર્ષ ૨૦૧૯માં સિનીયર સિટીઝન પર થતાં ગુનાનો લગભગ બે ગણો વધારો નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં ૬૬ સિનીયર સિટીઝનની હત્યા થઇ હતી જયારે ૨૯ની હત્યાનો પ્રયાસ થયો હતો. સિનીયર સિટીઝનને ચોરીના ગુનાનો સૌથી વધુ સામનો કરવો પડે છે. વર્ષ ૨૦૧૯માં આ પ્રકારની ૫૩૧ ઘટના નોંધાઇ હતી. આ સિવાય લૂંટની ૧૩, લૂંટ સાથે હત્યાની હત્યાની ૩ ઘટનાઓ નોંધાયેલી છે. ચોરી ઉપરાંત છેતરપિંડીના ગુનાનો પણ સિનીયર સિટીઝનને વધારે સામનો કરવો પડે છે. ગત વર્ષે સિનીયર સિટીઝન સાથે છેતરપિંડીની ૨૭૭ ઘટનાઓ નોંધાઇ હતી.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ પ્રમાણે સિનીયર સિટીઝન પરના ૪૧૯૩ કેસની તપાસ છે. ૬૪૩ ઘટનામાં કેસ સાચો હતો પણ પૂરાવાનો અભાવ હતો. ૨૦૧૯ના વર્ષમાં કુલ ૩૨૩૪ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ ૩૯૬૮ કેસનો પોલીસ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો અને ૧૯માં તપાસના તબક્કા દરમિયાન જ કેસ બંધ કરાયો હતો. આમ, ગુજરાતમાં ચાર્જ શીટ રેટ ૮૨.૯૦ % છે. ગુજરાતમાં સિનીયર સિટીઝન પરના કેસમાં કોર્ટમાં કન્વિકશન રેટ ૧૦.૫૦ % છે. વર્ષ ૨૦૧૯માં કુલ ૨૦૦ કેસમાં ટ્રાયલ પૂર્ણ થયેલી હતી, ૨૦૧માં કોર્ટ દ્વારા કેસનો નિકાલ કરાયો હતો. સિનીયર સિટીઝન પરના ગુનામાં ૪૭૭૨ પુરુષ-૨૮૨ મહિલા એમ કુલ ૫૦૫૪ની ધરપકડ કરવામાં આવેલી હતી. આ પૈકી ૫૨૦૧ પુરુષ-૩૩૬ મહિલા એમ ૫૫૩૭ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મહાનગરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સિનીયર સિટીઝન પરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૭માં આ પ્રકારના કુલ ૫૩૪ ગુના નોંધાયા હતા, જે વધીને વર્ષ ૨૦૧૮માં ૭૩૩, વર્ષ ૨૦૧૯માં ૭૯૪ થયેલા છે. ભારતના મહાનગરોમાં સિનીયર સિટીઝન પર થયેલા ગુનામાં ૧૬.૨૦ % માત્ર અમદાવાદમાંથી છે.

 વર્ષ

ગુનાઓ

૨૦૧૭

૧,૦૯૯

૨૦૧૮

૨,૧૨૬

૨૦૧૯

૪,૦૮૮

કુલ 

૭૩૧૩

રાજય

ગુના

મહારાષ્ટ્ર

 ૬૧૬૩

મધ્યપ્રદેશ

૪૧૮૪

ગુજરાત

૪૦૮૮

તમિલનાડુ

૨૫૦૯

આંધ્રપ્રદેશ

 ૨૪૩૦

શહેર

ગુનાની ઘટના

મુંબઇ

૧૨૩૧

દિલ્હી

૧૦૭૬

અમદાવાદ

૭૯૪

ચેન્નાઇ

૫૫૨

સુરત

૨૩૨

પૂણે

૨૨૪

(3:42 pm IST)