Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કાલથી રાજ્યમાં ત્રીજા તબક્કામાં વધુ ૪૦ વોલ્વો અને એસી બસો દોડાવાશે

રાજકોટ, ભાવનગર,અમરેલી, દ્વારકા,સોમનાથ, ભુજ અને મોરબીના મુસાફરોને મળશે લાભ

અમદાવાદ : એસટી નિગમ દ્વારા ત્રીજા તબક્કામાં કાલથી ૨૫મી ઓક્ટોબરથી વધુ ૪૦ વોલ્વો અને એસી બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં પ્રથમ અને બીજા તબક્કાની મળીને કુલ ૮૦ બસો દોડતી હતી જેમાં વધુ ૪૦ બસનો ઉમેરો થશે. આમ કુલ ૧૮૦ પ્રીમિયમ એસટી સર્વિસમાંથી ૧૨૦ બસો દોડતી થશે.

નવી શરૂ કરાયેલી બસોમાં વોલ્વો સીટર-૧૭, એસી સીટર-૧૩ અને એસી સ્લીપરની ૧૦ બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ઉમેરાયેલી એસટીની બસો દ્વારા રોજનું કુલ ૧૭,૯૯૨ કિ.મીનું અંતર કાપવામાં આવશે.

એસટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ગત ૨૨મી ઓગસ્ટે વોલ્વો  અને એસી સુવિધા વાળી ૪૦ જી્ બસોનું સંચાલન શરૂ કરવાનો  નિર્ણય લીધો હતો. બાદમાં ૧૧મી  સપ્ટેમ્બરથી બીજા તબક્કામાં વધુ ૪૦ વોલ્વો અને એસી એસટી બસ દોડાવવાનો  નિર્ણય કરવામાં આવ્યો હતો.

રવિવારથી શરૂ થનારી નવી એસટી બસોમાં વોલ્વો સીટર બસ નહેરૂનગરથી નવસારી, અમદાવાદથી રાજકોટ અને નહેરૂનગરથી વડોદરા વચ્ચે ચાલશે. એસી સીટર બસ અમદાવાદથી ભાવનગર, ગાંધીનગરથી અમરેલી, અમદાવાદથી મોરબી અને અમદાવાદથી ડીસા વચ્ચે ચાલશે.

એસી સ્લીપર બસ ગાંધીનગરથી દ્વારકા, ગાંધીનગરથી સોમનાથ, ગાંધીનગરથી ભુજ, ગાંધીનગરથી દિવ અને વડોદરાથી ભુજ વચ્ચે દોડાવવામાં આવશે.

(11:22 am IST)