Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કોલર ટયુનનો વિવાદ

મુખ્યમંત્રી રૂપાણીએ ચુંટણી આચાર સંહિતાનો ભંગ કર્યોઃ કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરીયાદ

રૂપાણી કહે છે... કોલર ટયુનમાં મારૂ કયાંય નામ નથીઃ જનજાગૃતી માટે છેઃ કોંગ્રેસને કેમ પેટમાં દુઃખે છે

અમદાવાદ તા. ર૪ :.. દેશમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ લોકડાઉન થયું અને જનજાગૃતિ માટે મોબાઇલ ફોન પર કોલર ટયુન શરૂ કરવામાં આવી તેનાથી લોકો કંટાળી ગયા હતાં અને તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઇ હતી. ત્યારે ગુજરાતમાં હાલમાં મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટયુન શરૂ કરાઇ છે. જેને લઇને કોંગ્રેસે વિરોધ ઉઠાવતાં ચૂંટણી પંચમાં ફરીયાદ કરી છે. કોંગ્રેસના પ્રવકતા નીશિત વ્યાસે ચૂંટણી પંચમાં ફરીયાદ આપીને સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલા લેવા માંગ કરી છે.

ગુજરાત સરકાર કોરોનાના કારણે પ્રજાને માસ્ક ફરજીયાત પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવાથી લઇને વારંવાર સાબુથી હાથ ધોવા વગેરે પ્રચાર અનેક વખત કરી ચૂકી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજ વાળી ફોન કોલર ટયુને ભારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં મોબાઇલ ફોન કોલ્સ ડાયલ કરવામાં આવે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં એક કોલર ટયુન સાંભળવા  મળે છે.

આગામી ૩ નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની ૮ બેઠકો પર પેટા ચુંટણી યોજવાની છે. હવે આ ચુંટણીને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહયા છે. ત્યારે સીએમના અવાજમાં મોબાઇલ ફોન કોલ્સ દરમિયાન શરૂઆતમાં સંભળાતી આ કોલર ટયુન અંગે કોંગ્રેસે ચુંટણી પંચમાં ફરીયાદ કરી છે. જો કે આ મામલે વિજય રૂપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેણે કહયું કે ફોનમાં કોલર ટયુનમાં મારૂ કયાંય નામ નથી. જનજાગૃતી માટે મારો અવાજ છે તો કોંગ્રેસને કેમ પેટમાં દુઃખે છે. તે સમજાતુ નથી તેવું નિવેદન તેમણે આપ્યું હતું.

(3:43 pm IST)