Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સમસ્યાને તકમાં પરિવર્તિત કરતા શીખવા માટેની જરૂર

સફળ આન્તરપ્રિન્યોરની વિદ્યાર્થીઓને સલાહઃ સિલ્વર ઓકમાં આન્તરપ્રિન્યોરશીપ અવેરનેસનો કાર્યક્રમ

અમદાવાદ, તા.૨૪: જીવનમાં કોઇપણ નવી શરૂઆત, સ્ટાર્ટઅપ, બિઝનેસ કે ધંધો-રોજગાર શરૂ કરતાં પહેલા કે તે દરમ્યાન કોઇપણ પ્રકારની સમસ્યા આવે તો તેનાથી ગભરાશો નહી પરંતુ તેને તકમાં પરિવર્તિત કરતા શીખો. સમસ્યાઓ કે પ્રોબ્લેમ તો આવતા રહેશે અને તેને પાર કરતાં શીખવું પડશે. સમસ્યાને તકમાં પરિવર્તિત કરી આગળ વધશો તો સફળતા પામવી તમારા માટે આસાન બની રહેશે આ સોનેરી શીખ આજે શહેરની સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે આન્તરપ્રિન્યોરશીપ અવેરનેસ ડ્રાઇવ પ્રોગ્રામમાં દેશના જાણીતા અને સફળ આન્તરપ્રિન્યોર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજીના ઇ(આન્તરપ્રિન્યોર)-સેલ અને આઇઆઇટી,ખરગપુર ઇ(આન્તરપ્રિન્યોર)-સેલના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે ઇ-ડ્રાઇવ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં સફળ આન્તરપ્રિન્યોર્સ દ્વારા વિદ્યાર્થીઓને બહુ મહત્વનું અને ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી પૂરા પાડવામાં આવ્યા હતા. આજના આન્તપ્રિન્યોરશીપ અવેરનેસ ડ્રાઇવ પ્રોગ્રામમાં ફોર્બ્સ ઇન્ડિયા ૩૦ અન્ડર ૩૦માં ઉલ્લેખ પામેલા જાણીતા આન્તરપ્રિન્યોર પવન ગુપ્તા, જતીન  ચૌધરી, અક્ષત ખરે, અનુપમા પંચાલ, નીરજ હર્લાલ્કા અને સૈય્યદ નદીમ જાફરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારે આત્મવિશ્વાસ અને નવા ઉત્સાહનો સંચાર કરતા વકતવ્યો આપી તેઓને અદ્ભુત માર્ગદર્શન આપ્યું હતું. પોતપોતાના ક્ષેત્રમાં ડંકો વગાડનારા આ સફળ આન્તરપ્રિન્યોર્સે વિદ્યાર્થીઓને શીખ આપતાં જણાવ્યું કે, દેશના યુવાનો એ રાષ્ટ્ર્નું ભવિષ્ય છે અને તેથી તેમણે દેશની સમસ્યાઓ અને પ્રોબ્લેમ્સને પણ જાણવા અને સમજવા જોઇએ. તો જે પ્રકારે દેશ વિકાસ અને પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે તે જોતાં યુવાઓ માટે ખૂબ ઉમદા તકો પડેલી છે. એક નવો આઇડિયા અને વિચાર તમને જીવનમાં સફળ બનાવી શકે છે બસ, જરૂર છે ભરપૂર આત્મવિશ્વાસ અને જીવનમાં કંઇક કરી બતાવવાના ઝનૂનની. ગુજરાતીઓ તો, સ્કીલ્સ અને કૌશલ્યથી ભરપૂર હોય છે પરંતુ ટેકનોલોજીના મુદ્દે પાછળ પડી જાય હોય છે પરંતુ જો ટેકનોલોજી અને સ્કીલ્સ્નો સમન્વય કરી આગળ વધાય તો જીવનમાં સફળતા આસાનીથી પ્રાપ્ત કરી શકાય છે. યુવાઓએ સ્કીલફુલ, રિસોર્સફુલ અને હેલ્પફુલ બનવું જોઇએ કે જેથી તેમની સફળતાની રાહ આસાન થઇ શકે. દેશના ૨૨ શહેરોમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી, બિઝનેસ અને સફળતાના માર્ગદર્શન માટે યોજાયેલા આન્તરપ્રિન્યોરશીપ અવેરનેસ ડ્રાઇવ પ્રોગ્રામનું આજે સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે કોલેજના ઇગ્નાઇટ અને સિલ્વર ઓક કોલેજ ઇન્કયુબેટર એન્ડ કોવર્કીંગ સ્પેસના હેડ કલ્પ ભટ્ટ, આઇઆઇટી ખરગપુરના એસોસીએટ મેમ્બર સૌમી મહેશ્વરી સહિતના અધિકારીઓએ આમંત્રિત આન્તરપ્રિન્યોર્સ મહાનુભાવોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

(10:29 pm IST)