Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મ્યુનિ. હોસ્પિટલની સેવા અંગે કોડ દ્વારા ફીડબેક આપી શકાશે

તંત્ર દ્વારા નવતર સિસ્ટમ અમલી બનાવાઇ : દર્દી કે તેમનાં સગા-સંબંધીએ આ ફોર્મની વિગતને પોતાના નામ, ફોન નંબર, મેઇલ સાથે ભરીને તંત્રને મોકલી શકશે

અમદાવાદ,તા.૨૪ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, ચી.હ.નગરી હોસ્પિટલના દર્દીઓ તેમજ તેમનાં સગાં-સંબંધી માટે આ સારા સમાચાર છે. સત્તાવાળાઓ દ્વારા આ હોસ્પિટલની સેવા-સુવિધાના મામલે દર્દીઓ ક્યુઆર કોડથી તંત્રને ફીડબેક આપી શકે તેવી સિસ્ટમ શરૂ કરાઇ છે. નાગરિકો દ્વારા મળેલા ફીડબેકના આધારે હોસ્પિટલ સત્તાધીશો અને અમ્યુકો તંત્ર જરૂરી સુધારાવધારા અને સૂચનનો અમલ પણ કરશે અને આ હોસ્પિટલોમાં નાગરિકો અને દર્દીઓ માટે વધુ સારી સેવા ઉપલબ્ધ બનાવવાનો પ્રયાસ કરશે. શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલો સામે સેવામાં ખામી, માળખાકીય સવલતોનો અભાવ સહિતની અનેક પ્રકારની ફરિયાદ સમયાંતરે ઊઠે છે, જેના કારણે અમ્યુકો તંત્ર દ્વારા કયુઆર કોડથી ફીડબેક આપવા અંગેની નવી સિસ્ટમ લાગુ કરાઇ છે, જેના આધારે આધારે દર્દીઓના મળનારા ફીડબેકને સત્તાધીશો કેટલી હદે ગંભીરતાથી લઇને તેનો દર્દીઓ માટે ઉપયોગ કરશે તે જોવું રસપ્રદ બનશે, નહીંતર આ એક નવું ગતકડું સાબિત થશે. આ ત્રણેય મ્યુનિસિપલ હોસ્પિટલમાં રોજબરોજના દર્દીઓનો ઘસારો સારો એવો રહેતો હોઇ જે તે હોસ્પિટલની સેવા-સુવિધા સામે પણ વારંવાર ફરિયાદનો સૂર ઊઠે છે. પરંતુ હવે દર્દીઓ ક્યુઆર કોડને સ્કેન કરવા માટેની એપને ડાઉનલોડ કરીને સીધા ફીડબેક ફોર્મના પ્રશ્નોનો સરળ ઉત્તર તેમજ રેન્કિંગ આપી શકશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નોમાં વિભાગીય માહિતી સરળતાથી મળે છે? નોંધણીબારી પર રાહ જોવી પડે છે? કર્મચારીઓનું વલણ કેવું છે? ડોક્ટરોની વર્તણૂક કેવી હતી? હોસ્પિટલની અંદર લેબ અને રેડિયોલોજી તપાસની સુવિધા ઉપલબ્ધ છે? નિયત દવાઓની ઉપલબ્ધતા છે? હોસ્પિટલની સુરક્ષાને આંક આપો, હોસ્પિટલમાં પૂરા પડાતા ભોજનની ગુણવત્તાને આંક આપો, હોસ્પિટલની મુલાકાત દરમ્યાન તમારો અભિપ્રાય આપો તેમજ શું તમારી પાસે કોઇએ વધારાના પૈસા અથવા મૂલ્ય માટે અપ્રામાણિકરૂપે પૂછ્યું તેવો ભ્રષ્ટાચારને લગતા પ્રશ્ન માટે પણ હા કે ના એમ બે વિકલ્પ અપાયા છે.

દર્દી કે તેમનાં સગાં-સંબંધીએ આ ફોર્મની વિગતને પોતાના નામ, ફોન નંબર અને ઇ-મેઇલ સાથે ભરીને તંત્રને ફીડબેક મોકલી શકે છે તેમ મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું. અમ્યુકો તંત્રના આ નવતર અભિગમને હવે કેટલા અંશે સફળતા મળે છે અને નાગરિકો તરફથી મળેલા ફીડબેકના આધારે સાચા અર્થમાં હોસ્પિટલની સેવા અને સુવિધામાં વધારો કરાય છે કે કેમ તે જોવાનું રહેશે.

(8:29 pm IST)