Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ખેડૂતો આનંદો :૧૦૦૧ પ્રતિ મણનાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદી કરશે સરકાર

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાનાં ભાવમાં રાજ્ય સરકારનું બોનસ: મણ દીઠ ૨૨ નો વધારો

અમદાવાદ :ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અને મગફળીના મબલક ઉત્પાદનને ધ્યાનમાં લેતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મગફળી ટેકાનાં ભાવમાં વધારો કરવાનો અને મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર મગફળીની ખરીદી ૧ મણે ૨૩ રૂપિયાનાં ભાવ વધારા સાથે કરશે.  મગફળીનાં ૪૮૯૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરાતા ખેડૂત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

  રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ૧ મણે ૨૩ રૂપિયાનો વધારો થતા પ્રતિ ક્વિન્ટલ ૧૧૦ રૂપિયાનાં વધુ ભાવ ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી બોનસ મળશે. અગાઉ મગફળીનાં મણના ભાવ ૯૭૮ રૂપિયા હતા જે હવે વધીને ૧૦૦૧ રૂપિયા થયા છે. ખેડૂતો માટે ખુશખબર છે કે ૧૦૦૧ પ્રતિ મણનાં ટેકાનાં ભાવે સરકાર મગફળીની ખરીદી કરશે..

ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે મગફળીની ખરીદી અંગે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે, નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી દ્વારા મગફળીની ખરીદી કરાશે. ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ મગફળીની ખરીદી કરશે. જેમાં ૧થી ૩૦ નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે અને ત્યારબાદ ૧૨૨ કેન્દ્રો પરથી ટેકાના ભાવે નોંધણી થયેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે

  ઉપરાંત APMC ખાતે ખરીદ કેન્દ્રો ઉભા કરાશે. સરેરાશ ઉત્પાદકતાને આધારે નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરશે. મગફળીની ખરીદ પ્રક્રિયા દરમિયાન CCTV કેમેરા ગોઠવવામાં આવશે તેમજ CCTV ફૂટેજ સંગ્રહીત રખાશે. આ મુજબ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાતી મગફળીની તમામ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલા મગફળીનાં ટેકાનાં ભાવમાં રાજ્ય સરકારે બોનસ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે મગફળીનાં ટેકાના ભાવમાં મણ દીઠ ૨૨ રૂપિયાનો વધારો કર્યો છે. ખેડૂતોને પોતાનાં પાકનું વાજબી વળતર મળી રહે એ હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત કાર્યશીલ છે અને આથી જ રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ૧૦૦ કરોડ.ની ફાળવણી કરીને પણ સરેરાશ ઉત્પાદકતાને આધારે નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરવામાં આવશે.

(8:22 pm IST)