Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ઓલપાડ હાઇવે પર 14 વર્ષીય તરુણી બાઈક પરથી ઝાડીમાં પડતા અકસ્માતનો ગુનો દાખલ

ઓલપાડ:તાલુકાના ડભારી ગામે બે યુવાન સાથે બાઈક ઉપર દરિયા કિનારે ફરવા ગયેલી ધો. ૮ માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની તરૂણી કાચા રસ્તા પર બાઈક ઉછળતા બાવળની ઝાડીમાં પડવાના બનાવમાં અકસ્માતનો ગુનો નોંધાયો હતો. તરૂણીના પિતાએ દુષ્કર્મનો આક્ષેપ કરતા ડીવાયએસપી અને પીઆઈએ એફએસએલની ટીમ સાથે સ્થળ પરથી તમામ પુરાવા એકત્રીત કરી ગાયનેક તબીબી ચકાસણી કરાવતા પ્રાથમિક તબક્કે દુષ્કર્મ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. જો કે પોલીસે તરૂણીના પિતાની ફરિયાદમાં બને યુવાનો વિરુધ્ધ કાયદેસરના વાલીપણામાંથી અપહરણનો ગુનાનો ઉમેરો કરી તપાસ શરૂ કરી છે. તરૂણી હાલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

ગત રવિવારે સુરત શહેરમાં રહેતી ૧૪ વર્ષની તરૂણી તેના મિત્ર અને અન્ય યુવાન મળી ત્રણ જણા બાઈક પર ઓલપાડ તાલુકાના ડભારી ગામે દરિયા કિનારે ફરવા ગયા હતાં. દરિયા કિનારે ફરી ફોટા પાડી પરત ફરતા હતા ત્યારે કાચા રસ્તા ઉપર બાઈક ઉછળતા છેલ્લા બેઠેલી તરૂણી ઉછળીને જમણી બાજુ બાવળની ઝાડીમાં પડી હતી. તરૂણીના શરીરે બાવળના કાંટાથી ઉઝરડા પડયા હતા તેમજ માથામાં પથ્થર વાગતા બેભાન થઈ ગઈ હતી. બંને યુવાનો તરૂણીને નજીકના પિંજરત ગામે લઈ જઈ તબીબ પાસે પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે ખાનગી વાનમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તરૂણીના પિતા સહીત પરિવારજનો પહોંચતા ઓલપાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(5:12 pm IST)