Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમદાવાદ(ગ્રામ્ય) એલસીબીમાં સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથ મામલે અંતે 'સીટ'ની રચના

રાજકોટથી અમદાવાદ જતા અઢી કરોડના સોનાના પાર્સલો રસ્તામાં પડી જવાનો ચકચારી મામલોઃ ડીવાયએસપી કે.ટી.કામરીયા અધ્યક્ષસ્થાનેઃ એક પીઆઇ અને એક : પીએસઆઇનો સમાવેશઃ અમદાવાદ રૂરલ એસપી આર.વી.અસારીની જાહેરાત

રાજકોટ, તા., ૨૪: રાજકોટથી આંગડીયા પેઢી બ્લુ ડાર્ટ મારફત  અમદાવાદ જતા અઢી કરોડના સોનાના પાર્સલ રસ્તામાં પડી જવાના મામલે શંકા પરથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા શંકા પરથી અટકમાં લઇ પુછપરછ દરમિયાન જેમનું મૃત્યુ નિપજેલ તેવા સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથના રાજયભરમાં ચકચારી મામલામાં પોસ્ટમોર્ટમ પુરાવા આધારે સાણંદના ડીવાયએસપી કે.ટી.કામરીયાના અધ્યક્ષસ્થાને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના થયાનું સુત્રો જણાવે છે.

ઓકટોબર માસની ૧પ તારીખે સુરૂભા ઝાલા (મૂળ નિવાસી લીંબડી) હાલ અમદાવાદ રહેતા સુરૂભા ઝાલાનું એલસીબી પોલીસની કસ્ટડીમાં મૃત્યુ નિપજયું હતું. આ મૃત્યુ નિપજતા ખળભળાટ મચી ગયો હતો.

મૃતકના પરીવાર દ્વારા પોલીસ સમક્ષ એવી ફરીયાદ કરવામાં આવી હતી કે સુરૂભા ઝાલાનું મૃત્યુ પોલીસના માર મારવાના કારણે થયું હતું આ મામલે જોરદાર રજુઆતોનો  મારો ચાલ્યો હતો.

દરમિયાન પોસ્ટમોર્ટમમાં ઇજાના નિશાન જણાતા અને પરીવારની ફરીયાદમાં પ્રાથમીક દ્રષ્ટિએ ચોક્કસ બાબતે તથ્ય જણાતા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આ મામલે તપાસ કરવા અમદાવાદ રૂરલના એસપી આર.વી.અસારીને સુચવવામાં આવેલ. મામલાની ગંભીરતા સમજી એસપી આર.વી.અસારીએ આ સમગ્ર મામલાની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ મારફત થાય તે માટે સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાના અધ્યક્ષસ્થાને સીટની રચના કરી તેમાં એક પીઆઇ અને પીએસઆઇની નિમણુંક કરી તાકીદે રિપોર્ટ આપવા હુકમ કર્યો છે.

ઉકત બાબતે સીટના અધ્યક્ષ એવા સાણંદના ડીવાયએસપી કે.ટી.કામરીયાનો  સંપર્ક સાધતા અકિલા સાથેની વાતચીતમાં સીટની રચના થયાનું અને આ બાબતે કાર્યવાહી શરૂ કર્યા બાબતે સમર્થન આપ્યું હતું. આમ રાજયભરમાં ચકચારી બનેલા મામલામાં સીટની પુરાવા સાથેની રચનાના કારણે ઘણાના બીપી વધી ગયા છે. આ મામલે દિપોત્સવીના તહેવારો પોલીસ તંત્રના કેટલાક આ કામના કસુરવાન મનાતા લોકોના બગડશે તો નહિને? એવી વ્યાપક ચર્ચા પોલીસ તંત્રમાં ચાલે છે. (૪.૪)

 

(1:48 pm IST)