Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

''રાઇટ ટુ પ્રાઇવસી''

ઘરની ચાર દિવાલ વચ્ચે દારૂ પીવો એ અમારો અધિકાર છે : હાઇકોર્ટમાં દાદ મંગાઇ

ગુજરાત સરકારના નશાબંધી કાયદાની અમૂક જોગવાઇઓને હાઇકોર્ટમાં પડકારતા ૩ લોકો

અમદાવાદ, તા. ર૪ : ગુજરાત સરકારના દારૂબંધીના કાયદા સામે, ગાંધીનગરના ત્રણ વ્યકિતઓએ ગુજરાત હાઇકોર્ટમાં એક પીટીશન દાખલ કરી છે, જેમાં જણાવાયું છે કે સુપ્રીમના તાજેતરના 'રાઇટ ટુ પ્રાઇવેસી' ના ચૂકાદા અનુસાર ઘરની ચાર દિવાલો વચ્ચે દારૂ પીવાનો અમને હક્ક છે.

અરજકર્તાઓએ જણાવ્યું છે કે, જયારે સુપ્રીમકોર્ટે પ્રાઇવસીનો હક્ક આપ્યો છે ત્યારે તેઓ કોઇપણ મકાનની ચાર દિવાલો વચ્ચે દારૂ પી શકે છે.

આજે ચીફ જસ્ટીસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટીસ વીએમ પંચોલીની બેંચ સમક્ષ આ અરજીની સુનાવણી થઇ શકે છે. અરજદારો, રાજીવ પિયુષ પટેલ, મિલીંદ દામોદર નેને અને નિહારીકા અભય જોષીએ પોતાની અરજી પોતાના વકીલ સ્વાતિ સોપારકર દ્વારા ફાઇલ કરી છે.

આ મામલા સાથે જોડાયેલ એક સૂત્રે કહ્યું, 'અમે સંપૂર્ણ દારૂબંધી કાયદાને નથી પડકાર્યો પણ અમે ઘરમાં કે ખાનગી જગ્યાએ દારૂ પીવા પર પ્રતિબંધ વાળા ભાગને જ પડકાર્યો છે અમે આખી દારૂબંધી નીતિ અથવા દારૂનું ઉત્પાદન કરવા પર પ્રતિબંધને પણ નથી પડકાર્યો'

ગયા વર્ષે રાજય સરકાર દારૂબંધી કાયદાને વધુ કડક બનાવીને દારૂના ઉત્પાદક, ગ્રાહક, વેચનાર અને હેરફેર કરનારને ૧૦ વર્ષની જેલની સજાની જોગવાઇ કરી છે. ફેબ્રુઆરી-ર૦૧૭માં દારૂબંધી કાયદામાં આ સુધારો ધારાસભામાં પસાર થયો હતો. દારૂબંધી કાયદા અનુસાર કોઇપણ વ્યકિત ઘરમાં અથવા પ્રાઇવેટ જગ્યાએ દારૂ રાખતો પડકાય તો પણ તેના કાયદેસરની કાર્યવાઇ થઇ શકે છે.

પોતાના ઘર, ફાર્મહાઉસ અથવા બીજી ખાનગી મિલકતોમાં પાર્ટી દરમ્યાન પોલીસે ઘણા બધા કેસ દારૂબંધીના કર્યા છે.

(12:21 pm IST)