Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાજ્યમાં અપૂરતા વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા વધુ પ૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા

 

ગાંધીનગરઃ રાજ્યમાં પડેલા ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યાં હતા. ત્યારે રાજ્ય સરકારે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. ત્યારે અછતની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઈ પાવર કમિટીની તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજીને લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. સાથે તેમણે કહ્યું કે, રાજ્યમાં પીવાનું પાણી મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠામાં એક વર્ષ ચાલે તેટલું પાણી છે

પહેલા રાજ્ય સરકારે 16 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યાં હતા. ત્યારે આજે ખેડૂતોને લાભ આપવા માટે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે. તાલુકાઓ 1 ડિસેમ્બર 2018થી અછતગ્રસ્ત ગણાશે. સાથે કચ્છ જિલ્લામાં જ્યાં ગંભીર સમસ્યા છે ત્યાં 2 રૂપિયે કિલો ઘાસચારો આપવામાં આવશે. રાજ્ય સરકાર 4 કરોડ કિલો ઘાસની ખરીદી કરશે. 11 રૂપિયા કિલો ઘાસની ખરીદી કરીને ખેડૂતોને 2 રૂપિયે કિલો આપવામાં આવશે. સાથે મહત્વની જાહેરાત કરવા નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય ત્યાં વરસાદ આવવા કે ઓછો વરસાદ થવાને કારણે પાક સુકાઈ ગયો હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવશે.

સાથે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જે જગ્યાએ ગૌશાળાઓમાં પશુપાલકો નક્કી કરશે તે બે મહિના દરમિયાન મોટા પશુ દીઠ પ્રતિદિન 70 રૂપિયા અને નાના પશુ દીઠ દરરોજના 35 રૂપિયા સહાય ચુકવવામાં આવશે. સાથે તેમણે કહ્યું કે, 51 તાલુકામાં જે ઘરે પશુ રાખતા હોય તેને 2 રૂપિયે કિલો ઘાસ આપવામાં આવશે.

જે 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તે જગ્યાઓ પર વેકેશન દરમિયાન પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને જમવાનું આપવામાં આવશે. સાથે મનરેગા યોજનામાં 100 દિવસની જગ્યાએ 150 દિવસની રોજગારી આપવામાં આવશે.

રાજ્ય સરકારે જે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે તેમાં કચ્છ જિલ્લાના 10 તાલુકા, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2 અને ભાવનગરના 1 તાલુકાનો સમાવેશ થાય છે.

(6:11 pm IST)