Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

થોડા દિવસો બાદ લોકો ઇન્દ્રોડા પાર્કમાં સિંહના દર્શન કરી શકશે

સક્કરબાગ ઝુમાંથી એક સિંહનું ઇન્દ્રોડામાં આગમન : હાલ લવાયેલો સિંહ તબીબો અને વનવિભાગના નિરીક્ષણ હેઠળ : જોડીદાર સિંહણ સપ્તાહ પછી લવાય તેવી શક્યતા

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદીઓને હવે સિંહદર્શન માટે હવે કાંકરિયા ઝુ સિવાયનું નવું ઠેકાણું મળી ગયું છે. અમદાવાદથી માત્ર રપ કિલોમીટર દૂર હવે અમદાવાદીઓને ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટિક સિંહ પણ જોવા મળવાના છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહનું ગઈકાલે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે આગમન થયું છે. જો કે, હાલ આ સિંહ તબીબો અને વનવિભાગના નીરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે, તેની વર્તણૂંક અને મિજાજ જોયા બાદ થોડા દિવસ પછી લોકોને સિંહ દર્શનની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. જ્યારે આ સિંહની જોડીદાર સિંહણને અઠવાડિયા બાદ ઈન્દ્રોડાપાર્કમાં લાવવામાં આવશે. ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહ અને સિંહણની જોડી આવ્યા બાદ તેમને જોવા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા છે. તંત્રએ પણ આ માટે ખાસ તૈયારીઓ અને વ્યવસ્થા કરી રાખી છે. દિવાળી વેકેશનના દિવસો દરમિયાન એટલે કે તા.૯ નવેમ્બર આસપાસ સિંહ જોડીને જોઈ શકાય તેવી શકયતા વર્તાઇ રહી છે. સિંહના આગમન બાદ તેને વાતાવરણને અનુકુલિત કરવા માટે સંપૂર્ણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેથી દિવાળીના તહેવાર પછી તેમને લોકો સમક્ષ એટલે કે ઇન્દ્રોડા પાર્કમાં નિહાળવા માટે મૂકવામાં આવશે. આગામી ૧પ દિવસ સુધી આ સિંહને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. હાલ નિષ્ણાત તબીબો, વનવિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ સતત આ સિંહના સ્વાસ્થ્ય, તેની વર્તણૂંક, મિજાજ સહિતની તમામ બાબતોનું નીરીક્ષણ કરી રહ્યા છે, તેમાં જો કોઇ વાંધાજનક તથ્ય સામે નહી આવે તો ત્યારબાદ લોકો સિંહને જોઈ શકે તે માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમવાર ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટિક સિંહની જોડી લાવવાની મંજૂરી અપાઇ છે, તે જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવનાર છે.  હાલ સિંહ લાવી દેવાયો છેઅન તેની જોડીદાર સિંહણને એક સપ્તાહ બાદ લવાય તેવી શકયતા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઈન્દ્રોડા પાર્કમાં સિંહને રાખવાની મંજૂરી આપી છે. ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહની જોડીને નિહાળવા પ્રકૃતિ પ્રેમી અને વન્ય પ્રેમી નાગરિકો ભારે ઉત્સુક અને ઉત્સાહી બન્યા છે, જેને લઇને આવનારા દિવસોમાં ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લેનારા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

(8:27 pm IST)