Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરામાં કેજરીવાલે કરેલા સંવાદ કાર્યક્રમના સ્થળ પાર્ટી પ્લોટનું દબાણ હટાવવા મનપાની ટીમ પહોંચી

પાર્ટી પ્લોટના માલિકના માત્ર એક લખાણના આધારે આ દબાણ તોડવાની કામગીરીને રોકી શકાતી હતી તો પહેલા જ પાર્ટી પ્લોટના માલિકને બોલાવી અથવા ટેલીફોનિક વાત કરી લેખિતમાં લઈ શકાયું હોત.

વડોદરામાં અરવિંદ કેજરીવાલે કરેલા શિક્ષણ વાલી સંવાદ કાર્યક્રમ સ્થળ પ્રીત પાર્ટી પ્લોટ નું દબાણ હટાવવા કોર્પોરેશનની ટીમ પહોંચી હતી.  દબાણ હટાવવાની ગાડી આવતા  આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જેસીબી પર ચઢી અને વિરોધ કર્યો. એક વખત તો જેસીબી સ્થળ પરથી પરત ગયા અને થોડી જ મિનિટોમાં પાછા દબાણ હટાવવાના સ્થળ ઉપર આવીને ગોઠવાયા હતા. પરંતુ છતાં પણ દબાણ હટાવ્યા વિના જ પાછા ફરવું પડ્યું હતું.

આમ આદમી પાર્ટીને 13 વખત ટાઉન હોલની પરવાનગી માટેની અરજી નકારી કાઢવામાં આવી હતી, ત્યારબાદ વડોદરામાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.  આ અંગે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દરેકને ‘આપ’ના  કાર્યક્રમ માટે જગ્યા ન આપવા માટે ધમકી આપી રહી છે.

આજે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ બુલડોઝર સાથે તે પ્લોટની કથિત ગેરકાયદે દિવાલ તોડવા પહોંચ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને બુલડોઝર પર ચઢી વિરોધ નોધાવ્યો હતો.

ઇસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું કે કેજરીવાલની સભા માટે પોતાનો પાર્ટી પ્લોટ આપનાર નવનીત કાકાને કોઇપણ જાતની સૂચના આપ્યા વિના ભાજપના લોકોએ કેજરીવાલનો હોલ તોડવા કોર્પોરેશનનું બુલડોઝર મોકલી આપ્યું છે. ભાજપ પાસે ઘણી બધી ગેરકાયદે ઇમારતો છે, તે તોડી નથી પાડી રહી, પરંતુ સાચા અને ઉમદા વ્યક્તિને પરેશાન કરી રહી છે.

  જો કે વીએમસી દ્વારા દબાણ હટાવવાના મામલે પાર્ટી પ્લોટના માલિક નવનીત કાકાએ લેખીતમાં મ્યુનિસિપલ કમિશ્નરને  રજુઆત કરી હતી. અને જરુરી ગેરકાયદેસર દબાણ જાતે ખસેડવા બાંહેધરી આપતી અરજી પણ આપી હતી. તેમને જણાવ્યું હતું કે, જો આપની જાણમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય તો અમન જાણ કરશો. અને અમને પુરતો સમય આપશો, જેથી અમે ગેરકાયદેસર બાંધકામ અમારી જાતે જ ઉતારી લઈશું.  અને જો અમારી ભૂલ ચૂક થાય તો તમે તમારી રીતે કાર્યવાહી કરી શકો છો

 

શહેરમાં સમગ્ર મામલામાં ફિલ્મી ડ્રામા જેવા અને ફિયાસ્કા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જો અંતે ખરેખર મહાનગર સેવાસદને આ દબાણ તોડ્યા વગર જ પાછા જવાનું હતું તો શા માટે આટલો મોટો પોલીસનો કાફલો અને કોર્પોરેશનના દબાણખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાથે ત્રણ ત્રણ બુલડોઝર આટલા કલાકો માટે રોકી રાખવામાં આવ્યા.

જ્યારે પાર્ટી પ્લોટના માલિકના માત્ર એક લખાણના આધારે આ દબાણ તોડવાની કામગીરીને રોકી શકાતી હતી તો આ સમગ્ર મામલો પહેલેથી જ પાર્ટી પ્લોટના માલિકને બોલાવી અથવા ટેલીફોનિક વાત કરી લેખિતમાં લઈ શકાયું હોત.

જ્યારે કોઈ એક પાર્ટી પ્લોટમાં થયેલા દબાણના મામલે આટલો મોટો ડ્રામા કરી અને ત્રણ ત્રણ ચાર કલાકના ખેલ બાદ પણ દબાણ હટાવવાની કામગીરી નહીં કરવી અને માલિકના એકમાત્ર લખાણથી તેની ઉપર વિશ્વાસ કરી શકાતો હોય તો પછી આ પ્રકારની કામગીરી એ મહાનગર સેવાસદનના વહીવટની અયોગ્યતા છતી  કરવા સમાન છે. મહાનગર સેવા શબ્દને પણ કોઈ પણ કાર્યના એક્શનમાં આવતા પહેલા સંપૂર્ણ યોગ્યતા સાથે કામગીરી સંપન્ન કરવા તરફ આગળ વધવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટે યોગ્ય આયોજન કરવું જોઈએ.

(9:02 pm IST)