Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમદાવાદમાં યુવાધનમાં વ્યસન વધ્યું :ચાંદખેડામાં પાનના ગલ્લાઓમાંથી ઈ-સિગારેટનો જથ્થો પકડાયો

ઈ-સિગરેટ વેચતા સરદારનગરના બે આરોપીઓની કરાઈ ધરપકડ

અમદાવાદમાં પોલીસે યુવાધનને નશાના રવાડે ચડાવી બર્બાદ કરતા ડ્રગ્સ અને હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. જો કે હવે યુવાધનમાં ધીમે ધીમે ઈ-સિગારેટનું ચલણ પણ વધી રહ્યુ છે. અમદાવાદ SOGએ અલગ અલગ પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરમાં અનેક જગ્યાઓ પર ઈ-સિગારેટ વેચાઈ રહી છે. પોલીસે આવા પાનના ગલ્લાઓ પર રેડ કરી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે યુવાધનને બર્બાદ કરતા આવા નશાના સોદાગરોને ઝડપી લીધા છે. જેમા આરોપી સંયમ મરડિયા અને અજય નોટવાણી નામના બે આરોપીઓને પોતાની પાનની દુકાનમાં ઈ-સિગારેટ વેચતા હતા. આ બંને આરોપીઓના પાનના ગલ્લેથી લોકોને બે હજારથી પાંચ હજાર રૂપિયામાં ઈ-સિગારેટ મળતી હતી. SOGએ બાતમીને આધારે રેડ કરી ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

SOGએ બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ વલ્ડ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીની જુદી જુદી ફ્લેવરના ઇ સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડિવાઇસ, ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચીઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરી SOGએ ચાંદખેડા પોલીસને સોંપ્યા છે.

SOG દ્વારા ઇ-સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ચાંદખેડામા ઈ-સિગારેટનો ધંધો ધમધમી રહયો હતો. પકડાયેલા આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી સરદારનગરના રહેવાસી છે. આ આરોપીની પુછપરછમા મુંબઈના વસીમ નામના શખ્સનુ નામ સામે આવ્યુ છે. મહત્વનું છે કે ઇ-સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાજિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે.

આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધધો કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. ચાંદખેડા પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7, 8 મુજબ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી કેટલા સમયથી ઈ-સિગારેટનો ધંધો કરતા હતા અને મુંબઈના વસીમ સિવાય અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલુ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

(7:54 pm IST)