Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કોંગ્રેસના ‘મારુ બુથ, મારુ ગૌરવ’ અભિયાનની શરૂઆત: 52 હજાર બુથના દોઢ કરોડ ઘર સુધી પત્રિકા પહોચાડાશે

એક બુથના 300 ઘર સુધી નાગરિક અધિકાર પત્ર લઈ કોંગ્રેસ કાર્યકર્તા પહોંચશે : પત્રિકામાં કોંગ્રેસના 8 વાયદાઓ અને ભાજપ સરકારની 6 નિષ્ફળતાંનો સમાવેશ

અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પૂર્વે બુથ મજબૂત કરવા કોંગ્રેસે આજથી 26 સપ્ટેમ્બર સુધી ‘મારુ બુથ, મારુ ગૌરવ’ અભિયાનની શરૂઆત કરી છે. ત્રણ દિવસ રાજ્યના 52 હજાર બુથો પર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પહોંચશે. એક બુથના 300 ઘર સુધી નાગરિક અધિકાર પત્ર લઈ કોંગ્રેસ કાર્યકર્તા પહોંચી રહ્યા છે. પત્રિકા થકી બુથ સુધી પહોંચવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના લક્ષ્યાંક સાથે કોંગ્રેસ નીકળી છે. પત્રિકામાં કોંગ્રેસના 8 વાયદાઓ અને ભાજપ સરકારની 6 નિષ્ફળતાં સમાયેલી છે.

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં અત્યાર સુધી ક્યારેય ના બન્યું હોય એમ કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યના તમામ 52 હજાર બુથ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના દરેક બુથમાં ઘર-ઘર સુધી પહોંચવા કોંગ્રેસે 1 કરોડ 55 લાખ પત્રિકાઓ તૈયાર કરી છે. જે પત્રિકાઓ લઈને કોંગ્રેસના કાર્યકરો ત્રણ દિવસ રાજ્યભરમાં ફરી રહ્યા છે. કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ટિકિટ માટે દાવેદારી કરનારને પત્રિકાઓ ઘર ઘર સુધી પહોંચે એ માટે ટાસ્ક અપાયા છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરોડામાં, પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ માં જ્યારે કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે બાપુનગરમાં પત્રિકાઓ વહેંચી હતી. હિંમતસિંહે જણાવ્યું કે જણાવ્યું કે 52 હજાર બુથ પર કોંગ્રેસ પહોંચી રહ્યું છે અને લોકોને જોડી રહ્યા છે. પત્રિકા સાથે અમે એ વચન પણ આપી રહ્યા છીએ કે જે 8 વાયદાઓ કોંગ્રેસે કર્યા છે એ અમારી સરકાર બનતા જ પૂર્ણ કરાશે. સાથે જનજન સુધી પહોંચવાથી કોંગ્રેસનું સંગઠન પણ વધુ મજબૂત બનશે.

(7:08 pm IST)