Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વડોદરામાં ગરીબો માટેના સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા: ગરીબો માટેના સસ્તા ભાવના અનાજનો જથ્થો સગેવગે કરીને કાળાબજાર કરવાના કેસમાં આઠ લોકો સામે સિટિ પોલીસ સ્ટેશનમાં નોધાયેલી ફરિયાદને દોઢ મહિનો થવા છતાંય પોલીસ હજી એકપણ આરોપીને પકડી શકી નથી.એટલું જ નહીં ગરીબો માટેનું અનાજ કોની  દુકાને ઠલવાયું , તે પણ પોલીસ શોધી શકી નથી.

સરકારી અનાજના કાળાબજારનોે ગત તા.૧૭ મી જુલાઇએ ઘટસ્ફોટ થયો હતો.જે અંગે ૧૦ દિવસ પછી સલાટવાડા ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા અને  બે વર્ષથી કલેક્ટર કચેરીમાં  પુરવઠા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શબ્બીર મહંમદ રમજુશા દિવાને સિટિ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી હતી.જેમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો.જેમાં  બે દુકાનના સંચાલક, અનાજ ડિલિવરી કરવાનો  કોન્ટ્રાક્ટ ધરાવનાર, ટેમ્પોના ડ્રાઇવર, અને માલિક સામેલ  હતા.જેમાં (૧)  ધી માંજલપુર કો.ઓ.સો.લિ.ના પ્રમુખ નરેશ જગદીશભાઇ અગ્રવાલ (૨) શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સો.લિ.ના પ્રમુખ ઇશ્વર ખુમાનસિંહ સોલંકી  (૩)  સમીર ટ્રેડર્સ દ્વારા નિમાયેલા પ્રતિનિધિ રાજેશ ચંદુભાઇ પટણી (રહે.ઉમા સોસાયટી, હરણી રોડ ) (૪)  કમલેશ કે. પટણી (રહે.વૃંદાવન પાર્ક,  હરણી રોડ ) (૫)  ભરત બી.પટણી (રહે.દિપીકા સોસાયટી, કારેલીબાગ ) (૬) ટેમ્પાના ડ્રાઇવર ઇરફાન અહેસાનભાઇ અંસારી  (રહે.હાથીખાના ) તથા માલિક (૭) પ્રવિણ રસિકભાઇ બારિયા (રહે.નવી નગરી, શંકરપુરા,તા.વાઘોડિયા) અને (૮) ડોર  સ્ટેપ ડિલીવરીના ઇજારદાર સમીર ટ્રેડર્સના પ્રોપરાઇટર સમીર દિપકભાઇ માવાણી (ઠે. ભાડલા, તા.જસદણ, જિ.રાજકોટ)નો સમાવેશ થાય છે. આરોપીઓએ  હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.સિટિ પોલીસ સ્ટેશનના પી.આઇ.કે.એન.લાઠિયાએ આરોપીઓની આગોતરા જામીન નામંજૂર કરવા માટે હાઇકોર્ટમાં કરેલી રજૂઆતને ધ્યાને લઇ અદાલતે અરજી નામંજૂર કરી છે.

(5:49 pm IST)