Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

27મીએ કેટલાક ભાગોમાં વરસાદ વરસશેઃ 28 સપ્‍ટેમ્‍બરથી 1 ઓક્‍ટોબર સુધી ઉત્તર-મધ્‍ય-દક્ષિણ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડશેઃ અંબલાલ પટેલની આગાહી

નવલા નોરતામાં કોઇ-કોઇ જગ્‍યાએ વરસાદ પડવાની આગાહી કરતા હવામાન શાસ્ત્રી

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતા હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્‍ય વરસાદની આગાહી કરી છે, જ્‍યારે 25 સપ્‍ટેમ્‍બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

નવરાત્રિમાં આ વર્ષે ખેલૈયાઓ માટે વરસાદ સૌથી મોટો દુશ્મન બની શકે છે. કારણ કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારો કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિના સમય દરમિયાન વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. 

કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ: અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે. જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.

મહત્વનું છે કે, ગીર સોમનાથ-અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે. એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

ગુજરાતમાં હવે ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ફરી એક વાર માઠા સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે.

(5:15 pm IST)