Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

અમદાવાદ કોર્પોરેશનની સામાન્‍ય સભામાં કોંગ્રેસ-ભાજપના કોર્પોરેટરો આમને-સામને આવતા હોબાળોઃ માલધારીઓના વિરોધ મામલે છાજીયા લઇને ઉગ્ર રજુઆત

સત્તા પક્ષ અને વિપક્ષ વધુ ઉગ્ર બનતા એકબીજા સામે ધસી આવતા બેઠક સમાપ્‍ત કરવી પડી

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનની સામાન્‍ય સભામાં દાણીલીમડા માલધારીઓના વિરોધ મામલે કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ એકબીજા સામે છાજીયા લઇને વિરોધ કર્યો હતો. સત્તા પક્ષ અને વિપક્ષ બંને વેલમાં ધસી આવતા બેઠક સમાપ્‍ત કરવી પડી હતી.

AMC ની માસિક સભામાં હોબાળો થયો હોવાની માહિતી મળી છે. દાણીલીમડા ઢોરવાળામાં આજે માલધારીઓના વિરોધ મામલે આજે માસિક સભામાં ઉગ્ર રજૂઆત અને હોબાળો જોવા મળ્યો હતો. માસિક સભામાં વિપક્ષી નેતા કાઉન્સિલર ઇકબાલ શેખે રજૂઆત કરતા સત્તાપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. ભાજપની મહિલા કોર્પોરેટરો અને કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ એકબીજા સામે છાજિયાં લઇ વિરોધ કર્યો હતો.

તેમણે રજૂઆત કરી કે Amc ના અધિકારીઓ હાઇકોર્ટના આદેશનું ખોટું અવલોકન કરે છે. CNCD વિભાગના અધિકારીઓ ગાય પકડવા આવે તે પહેલા તેના માલિકને ફોન કરી દે છે. બીજી તરફ જે ગાય વાડામાં બાંધી હોય તેમની ગાય લઇ જાય છે. જો કે આ આક્ષેપોનો જવાબ આપતા કાઉન્સિલર મહાદેવ ભાઈએ વળતો જવાબ આપ્યો કે પહેલા વિપક્ષ તેમના વિસ્તારમાં ગાયો કપાતી રોકે પછી ગાયો ઉપર ચર્ચા કરે. મામલો વધુ ઉગ્ર બનતા વિપક્ષે મેયરને ગાયની પ્રતી કૃતિ આપી પોતાની રજૂઆત કરી. આ સામે સત્તા પક્ષ અને વિપક્ષ બંને વેલમાં ધસી આવતા બેઠક સમાપ્ત કરવી પડી હતી.

જો કે આ પહેલા વિપક્ષના કાઉન્સિલરોએ રોડ, સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યાને લઇ બેઠકમા રજૂઆતો કરી હતી. કાઉન્સિલર સમીના શેખે માસિક સભામાં રજૂઆત કરી કે બોપલ ઘુમા વિસ્તારમાં સફાઈ ન થવાથી લોકો ત્રસ્ત છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનું કામ છોડી કમિશ્નરને કોલ કરવો પડે તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે? AMC જનતા પાસે સફાઈના નામે ટેક્સ લે છે પણ તે અન્ય શહેરોની સરખામણીએ ઘણું પાછળ છે. બીબી તળાવનું નામ બદલી સદભાવના તળાવ કેમ રાખવામાં આવ્યું?

આ સાથે કુબેરનગરના કાઉન્સિલર નિકુલ તોમરની સભામાં રજૂઆત હતી કે, લોકોને પીવાનું પાણી આપી શકતા નથી તો આપણે શું કરવાના? તેમણે રજૂઆત કરી કે જયારે તેઓ કામ કરવા અધિકારીઓને કહે છે તો કામ થતું નથી પણ જો RTI એક્ટિવિસ્ટ કોલ કરે તો કામ થઇ જાય છે.

(5:13 pm IST)