Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવસારી જિલ્લાની 3 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્‍સ પ્રક્રિયાઃ નવસારી-12, જલાલપોર-8 અને ગણદેવી બેઠક માટે 3 દાવેદારો

કર્મઠ, લોકો સ્‍વીકારે અને જીતવાની ક્ષમતાવાળા ઉમેદવારોની પસંદગી કરાશેઃ ભરતસિંહ સોલંકી, ઇન્‍દ્રસિંહ ગોહિલ, બી.એમ. સંદીપનો મત

નવસારીઃ નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠક પર 22 ઉમેદવારોએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી છે. નવસારી, જલાલપોર અને ગણદેવીની બેઠકો પર કોંગ્રેસના 22 ઉમેદવારોએ દાવેદાર કરતા કોંગ્રેસના નિરીક્ષકોએ જણાવ્‍યું કે, જીતવાની ક્ષમતા અને સક્ષમ ઉમેદવારો હશે તેને ટિકીટ આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચુંટણીની ઘોષણાને હવે થોડા દિવસો જ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાના મુરતિયાઓ શોધવાની કવાયત હાથ ધરી છે. જેમાં આજે કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો સામે નવસારીની ત્રણ વિધાનસભાના 22 ઉમેદવારોએ ચુંટણી જંગ લડવાની ઇચ્છા દર્શાવી હતી.

ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવા દરેક પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે ચુંટણીની જાહેરાત હવે થોડા દિવસોમાં થઈ શકે છે, તે પૂર્વે રાજકિય પક્ષો પોતાના સક્ષમ મુરતિયાઓને શોધવા મંડી પડ્યા છે. આજે નવસારીના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નેતા ભરતસિંહ સોલંકી, ઇન્દ્રસિંહ ગોહિલ અને બી. એમ. સંદીપ જિલ્લાની ચારમાંથી ત્રણ વિધાનસભા બેઠકોના ઉમેદવારોને સાંભળવા પહોંચવાના હતા. પરંતુ ભરતસિંહ અને ઇન્દ્રસિંહ આવ્યા ન હતા. જ્યારે બી. એમ. સંદીપ 3 કલાક મોડા આવ્યા હતા.

ત્યારબાદ તેમણે સમર્થકો વિના જ આવેલા ઉમેદવારોને સાંભળ્યા હતા, જેમાં નવસારી વિધાનસભામાંથી 11, જલાલપોર વિધાનસભાના 8 અને ગણદેવી વિધાનસભામાંથી 3 ઉમેદવારોએ ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. જેમાંથી કર્મઠ, લોકો સ્વિકારે અને જેનામાં જીતવાની ક્ષમતા હોય એવા ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવશે.

જોકે કાર્યકર્તાઓને સંભળયા બાદ બી. એમ. સંદીપે 27 વર્ષોથી વનવાસ ભોગવતી કોંગ્રેસ શાસન ધૂરા સાંભળશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ ભાજપ પાસે ઉમેદવારો જ ન હોવાનો દાવો કર્યો હતો, કારણ ભાજપે કોંગી ધારાસભ્યોને કરોડો આપીને ખરીદવા પડે છે, અને આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ક્યાંય નથીના આક્ષેપો કર્યા હતા.

વાંસદા સિવાય નવસારી, જલાલપોર અને ગણદેવી વિધાનસભામાં 22 ઉમેદવારોને સાંભળ્યા બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આ વખતે કોંગ્રેસ રૂટ લેવલે કામ કરશેની સ્ટ્રેટેજી જાહેર કરી હતી. જેમાં મારૂ બુથ, મારૂ ગૌરવ અને જનમિત્ર બનાવી મતદારોના સીધા સંપર્કમાં રહી જિલ્લાની ચારેય વિધાનસભા જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

(5:12 pm IST)