Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

આખરે આશા વર્કર બહેનોનો રૂ. 2500 અને ફેસિલિટેટર બહેનોનો રૂ. 2000 પગાર વધારો

તમામ કર્મીને દર વર્ષે 2-2 જોડી કપડા પણ આપવામાં આવશે: 21 સપ્ટેમ્બરે આશા વર્કરોએ સમેટ્યું હતું આંદોલન

અમદાવાદ : બુધવારે  આશા વર્કર મહિલાઓનું વધુ એક આંદોલન સમેટાયું હતું. રાજ્ય સરકારે માગ સ્વીકારતા આશા વર્કર બહેનોએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારે આજ રોજ(શુક્રવાર) રાજ્ય સરકારે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટરનો પગાર વધારો જાહેર કર્યો છે. જેમાં આશા વર્કર્સનો 2500 રૂપિયાનો પગાર વધારો થતા હવે તેને 8500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો કરાતા હવે તેને 6000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત તમામ કર્મીને દર વર્ષે 2-2 જોડી કપડા પણ આપવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ આશા વર્કરને 6000 રૂ. અને આશા ફેસિલિટેટરને 4000 રૂ. પગાર ચુકવવામાં આવતો હતો. તેમને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં આવતી હતી.

બુધવારે મંત્રી જીતુભાઇ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવાલાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે, તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

(1:02 am IST)