Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વિધાનસભા સત્રને લંબાવવાની માંગનો અસ્વિકાર કરવા સરકારનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: પરેશ ધાનાણી

વિધાનસભામાં કોરોનાના તમામ મૃતકોને સામૂહિક શ્રધ્ધાંજલિ આપવા વિપક્ષની માંગ

અમદાવાદ : હાલના કપરા કાળમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટ્રાચાર સહિતની વિવિધ સમસ્યાઓની વિધાનસભા ગૃહમાં બહદ ચર્ચા થાય અને લોકોની પીડા-વેદનાને વિપક્ષ વાચા આપી શકે અને સરકાર વિપક્ષના સૂચનોનું સકારાત્મક રીતે નિવારણ કરે તે માટે વિધાનસભાનું સત્ર એક સપ્તાહ માટે લંબાવવાની વિપક્ષના ધારાસભ્યોની માંગનો સરકારે અસ્વિકાર કર્યો હોવાનું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. સરકારના આ નિર્ણયને તેમણે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

બે દિવસના ટૂંકા વિધાનસભા સત્ર માટે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, કોરોનાના કાળમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે વિધાનસભાનું ટૂંકુ ચોમાસું સત્ર બે દિવસ પુરતું સિમિત કર્યું હતું. આજે મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આગામી 27મી સપ્ટેમ્બરના રોજથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર શરૂ થઇ રહ્યું છે. જેમાં વિપક્ષના ધારાસભ્યોએ ઉપરોક્ત બાબતનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ સરકાર સત્ર લંબાવવાની વાત સાથે સહમત થઇ ન હતી. પરંતુ અપેક્ષા રાખીએ કે મુખ્યમંત્રી આ અંગે વિચારી, વિધાનસભાના 182 ધારાસભ્યો પોતાના વિસ્તારની પીડા, પ્રશ્નો-વેદનાને ખુલ્લા મને વાચા આપી શકે તે માટે વિધાનસભા ગૃહમાં પુરતો સમય આપશે અને વિધાનસભાનું સત્ર પણ લંબાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આજની બેઠકમાં કોરોના વોરિયર્સ સહિત કોરોનાના તમામ મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા સભાગૃહ સમક્ષ ખાસ પ્રસ્તાવ લાવવા સરકારને વિનંતી કરી હતી. તેમજ સુપ્રિમ કોર્ટે વળતર ચુકવવાનો આદેશ કર્યો છે અને કેન્દ્ર સરકારે 50 હજારની સિમિત સહાય માટે એફીડેવીટ પણ રજૂ કરી દીધું છે ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે પીડિત, કોરોનાથી શહીદ થયેલા કોરોના વોરિયર્સ અને ત્રણ લાખ કરતાં વધુ મૃતકોના પરિવારની પીડા હળવી કરવા માટે પુરતા પ્રમાણમાં વળતર મળે તેવી માંગણી કરી છે. સાથોસાથ અતિવુષ્ટિના પીડિતોને વળતર વધારવા તેમજ તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તો સહાયથી વંચિત છે ત્યારે સરકાર સત્વરે સર્વે અને રી-સર્વે કરે અને અસરગ્રસ્ત પરિવારો તથા જરૂરિયાતમંદોને પુરતા પ્રમાણમાં વળતર મળે તે માટે પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા માટે અવકાશ આપવો જોઇએ.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પણ જયારે નિશ્ચિત છે અને એજન્ડાનો હિસ્સો છે ત્યારે કોંગ્રેસ પક્ષે એક આદર્શ પરંપરાને પાળતા વિધાનસભાના અધ્યક્ષનો વિપક્ષે હંમેશા સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. આજે પણ ભાજપ દ્વારા અધ્યક્ષ તરીકે જે નામ સૂચવ્યું છે તેને વિપક્ષ તરીકે અમે ટેકો આપ્યો છે. ભૂતકાળની પરંપરાઓને અનુસરતા ઉપાધ્યક્ષનું પદ હંમેશા વિપક્ષ પાસે રહ્યું છે ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સૌથી સિનિયર ધારાસભ્ય કે જેઓ છ ટર્મનો બહોળો અનુભવ ધરાવે છે સંસદીય બાબતોના જાણકાર છે, સરળ વ્યક્તિત્વ, સ્વચ્છ પ્રતિભા ધરાવે છે તેવો ડો. અનિલ જોષીયારાને વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે મૂકવા માંગણી રજૂ કરી છે. સરકાર ગંભીરતાથી આ અંગે વિચારી ભૂતકાળની પરંપરાઓ અને ઉચ્ચકોટિના આદર્શોને અનુસરશે તેવી માંગણી કરીએ છીએ.

(12:41 am IST)