Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગોધરા નગરપાલિકાની 35 મહિલા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર નહિ મળતા ભારે નારાજગી

રજૂઆત કરીએ તો કામમાંથી છૂટા કરી દેવાની ધાક ધમકી અપાતી હોવાની રજૂઆત બહેનોએ કરી

ગોધરાઃ ગોધરા નગરપાલિકાના  પ.વ.ડી વિભાગમાં કામ કરતી 35 મહિલા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા રોષ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટી તેની વ્હારે આવી હતી. ગોધરા શહેરના તીરગર વાસમાં આવેલા રામજી મંદિર ખાતે પાંત્રીસ જેટલી બહેનો ભેગી થઈ હતી અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને પોતાની સમસ્યાઓને સાંભળવા અને વાચા આપવાની રજૂઆત કરવા બોલાવ્યા હતા

 .જિલ્લા પ્રમુખ સહિત જિલ્લા ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાણી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા ઝોન કિસાન પ્રમુખ અને શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી રામજી મંદિર પર બહેનોની રજૂઆત સાંભળવા આવ્યાં હતાં. ઉપસ્થિત બહેનોએ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને જણાવ્યું હતું કે, તેઓ ત્રીસ - પાંત્રીસ વર્ષથી ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં કામ કરે છે. તેઓની કામગીરી નગરપાલિકા દ્વારા સોંપવામાં આવતી કામગીરી જેવી કે, રસ્તાની, પાઇપ લાઇનની, બગીચાની, ગટર લાઇનના ચણતર પ્લાસ્ટરની વિગેરે કરાવવામાં આવે છે અને સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી આવી કામગીરી કરવાની હોય છે. આટલાં લાંબા સમયથી આ કામગીરી કરે છે છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. તેમજ દૈનિક રોજ લગભગ ૩૩૦ જેટલો છે છતાં મહિનાના પગાર તરીકે હાથ ઉપર પાંચ હજાર તો કેટલાકને છ છ હજાર ચૂકવવામાં આવે છે. જો આ બાબતે રજૂઆત કરીએ તો કામમાંથી છૂટા કરી દેવાની ધાક ધમકી આપવામાં આવે છે તેવી રજૂઆત બહેનોએ કરી હતી.

(11:27 pm IST)