Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરતના સલાબતપુરા વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી પાસે બાકી નીકળતા પૈસા લેવા ગયેલ શખ્સ પર કાતરથી હુમલો

સુરત: શહેરનાસલાબતપુરા સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રુતિ ફેબના નામે દુકાન ધરાવતા વેપારી પાસે રૂ.3.31 લાખની બાકી ઉઘરાણી માટે ગયેલા વિવર અને પિતરાઈ ભાઈ પર વેપારીએ કાતરથી હુમલો કર્યો હતો અને વિવરની કાકીને પણ માર માર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના ઉદ્યોગદર્શનની બાજુમાં સાસ્વત રેસિડન્સી બી/601 માં રહેતા 39 વર્ષીય વિવર ભરતભાઈ બાબુભાઈ ઠુંમરની સલાબતપુરા સુરત ટેક્ષટાઈલ માર્કેટ જી/2315 માં શ્રુતિ ફેબના નામે દુકાન ધરાવતા વેપારી અરવિંદભાઈ ત્રિભુવનદાસ પટેલ પાસે રૂ.3.31 લાખની ઉઘરાણી બાકી હતી. ગતસાંજે ભરતભાઈ કાકાના દીકરા મૌલીક અને કાકી વિલાસબેન સાથે અરવિંદભાઈની દુકાને ઉઘરાણી માટે ગયા હતા. તે સમયે અરવિંદભાઈએ મૌલીક સાથે ગાળાગાળી કરી તમાચો મારી ટેબલ પર પડેલી લોખંડની કાતરથી મૌલીક અને ભરતભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં મૌલીકને ડાબા ગાલ, દાઢીના નીચેના ભાગે, છાતીના નીચે જમણી બાજુ તથા જમણા હાથની પહેલી આંગળી પર અને ભરતભાઈને નાક પાસે તેમજ ડાબા કાનની બાજુમાં ઈજા થઈ હતી.

વેપારી અરવિંદભાઈએ કાકી વિલાસબેન સાથે પણ ઝપાઝપી કરી તેમને પણ માર મારતા ઈજા થઈ હતી. બનાવ અંગે ભરતભાઈએ વેપારી અરવિંદભાઈ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:58 pm IST)