Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ટાઉનશીપમાં વૈભવી બંગલોને નિશાન બનાવી તસ્કરોએ 17 લાખની મતાની ઉઠાંતરી કરતા અરેરાટી મચી જવા પામી

ગાંધીનગર: ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલા સૌથી વૈભવી એવા નોર્થ પાર્ક બંગલોમાં તસ્કરોએ બુધવારે રાતના સમય દરમિયાન રુપિયા સાડા પાંચ લાખની રોકડ સહિત રુપિયા ૧૭ લાખની મતાની ચોરી કર્યાની ફરિયાદ અડાલજ  પોલીસ મથકે નોંધવામાં આવી છે. જો કે સૌથી નવાઇની વાત એ છે કે પરિવાર ઘરમાં જ સુતો હતો ત્યારે જ ચોરીની ઘટના બની હતી.

વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા અદાણી શાંતિગ્રામ ટાઉન શીપમાં આવેલા નોર્થ પાર્કના સી ૨૮માં રહેતા  નિરવ પટેલ રાયસણ ખાતે  ઇન્ફોસેન્સ પ્રાઇવેટ લીમીટેડના નામે સોફ્ટવેરની કંપની ચલાવે છે. બુધવારે રાતના નિત્યક્રમ મુજબ પરિવાર સાથે ઉપરના રુમમાં સુવા માટે ગયા હતા અને ગુરુવારે સવારે નીચે આવ્યા ત્યારે જોયુ તો ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમના ઘરમાં સામાન વેરવિખેર પડયો હતો.  જ્યારે કબાટમાં મુકેલી એક બેગ ગાયબ હતી. જેમાં સોનાના દાગીના અને રુપિયા સાડા પાંચ લાખની રોકડ હતી.  તો નીચેથી બે લેપટોપ અને એક ટીવી પણ ગાયબ હતુ. જેની કુલ મતા રુપિયા ૧૭ લાખ જેટલી થવા જાય છે.  તો તસ્કરો રસોડોના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. આ અંગે અડાલજ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવીને તપાસ શરુ કરી છે. જેમાં પોલીસને આશંકા છે કે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિય તેમજ સ્થાનિક મજુરો પણ કામ કરે છે અને તેમના દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય શકે તેમ છે. જેથી ટાઉન શીપના સીસીટીવીને આધારે પોલીસે તપાસ શરુ કરી છે. સાથેસાથે ફોરેન્સીક એક્સપર્ટની મદદ પણ  લેવામાં આવી  રહી છે.  જો કે આ ઘટનામાં પરિવારની  હાજરી ઘરમાં જ હોવાથી પોલીસે આ બનાવને એક બેદરકારી પણ ગણાવી છે.

(5:54 pm IST)