Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કોરોનાથી મોત બાદ ડેથ સર્ટીફિકેટમાં તેનો ઉલ્લેખ ના હોવાથી વળતર મુદ્દે હોબાળાના એંધાણ

કોરોનાથી મોતને ભેટેલા સ્વજનોના પરિવારને ૫૦ હજારના વળતરનો મુદ્દો : રાજય સરકારે જે મૃત્યુઆંક રજૂ કર્યા છે તેની સામે કોંગ્રેસે ગામેગામ ફરીને ભેગા કરેલા આંકડામાં મોટો ફરક

અમદાવાદ તા. ૨૪ : એક તરફ સુપ્રિમ કોર્ટે કોરોના વાયરસથી મોતને ભેટેલા નાગરિકોના પરિવારને વળતર આપવાનો આદેશ કર્યો છે તો બીજી તરફ ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ નથી કરાતો તો વળતર કેવી રીતે મળશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સરકારી આંકડા પ્રમાણે રાજયમાં કોરોનાથી કુલ ૧૦,૦૨૮ લોકોના મોત થયા છે ત્યારે વાસ્તવિક આંકડો ઘણો મોટો હોવાના દાવા થઈ રહ્યા છે. ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના થતો હોવાથી આ મુદ્દે આગામી દિવસોમાં રાજયમાં હોબાળો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોનાના લીધે પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો વળતર માટે ફોર્મ ભરે ત્યારે મૃત્યુઆંકની પોલ ખુલ્લી પડી શકે છે, તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. બીજી લહેર દરમિયાન ગુજરાત સહિત દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, આ દરમિયાન ઘણાં દર્દીઓ સારવાર મળે કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે જીવ ગુમાવ્યો હતો. આવા કિસ્સામાં તેમની પાસે કોરોનાથી મોત થયું હોવાનું સર્ટિફિકેટ ના હોવાથી તેમની ગણતરી કોરોનાથી મૃત્યુ થયું હોવાના કિસ્સામાં નથી થઈ. આવામાં હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓના ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મોત થયું હોવાનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો તેવી ફરિયાદો ઉઠી હતી. હવે પોતાના સ્વજનોના કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ ડેથ સર્ટિફિકેટમાં કરવામાં આવે તે માટે લોકો સિવિલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ધક્કા ખાઈ રહ્યા હોવાના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે.

હવે આ નાગરિકો પોતાના સ્વજનોના નામે વળતર લેવા માટે સર્ટિફિકેટમાં જે ઉલ્લેખ નથી થયો તે અંગે ઉગ્ર રજૂઆત કરે તો હોબાળો થવાના એંધાણ છે. સરકારના મતે ગુજરાતમાં કોરોનાના લીધે ૧૦,૦૮૨ દર્દીઓના મોત થયા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા મૃત્યુઆંક ઘણો જ મોટો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસે ગામે-ગામ ફરીને કોરોનાથી મોતને ભેટેલા પોતાના સ્વજનોના પરિવારજનોને મળીને તેમના ફોર્મ ભરીને વિગતો એકત્રિત કરી હતી જેમાં મૃત્યુનો આંકડો ૩૮,૦૦૦ને પાર જાય છે.એક તરફ કોરોનાથી પોતાને ભેટેલા પોતાના સ્વજનોના નામે વળતર મેળવવા માટે લોકોએ ધક્કા ખાવાના શરૂ કરી દીધા છે તો બીજી તરફ સહાયને લઈને કેન્દ્ર તરફથી કોઈ ગાઈડલાઈન્સ આવી નથી. આવામાં સરકારને એ વાતની ચિંતા સતાવી શકે છે કે સહાય મેળવવા માટે ફોર્મની સંખ્યા વધી ગઈ તો મૃત્યુઆંકને લઈને ફરી મુદ્દો ગરમાઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર અને ટીમ પણ નવી છે તેવામાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં આ મુદ્દો વિરોધપક્ષ માટે મહત્વનો સાબિત થઈ શકે છે.

(3:30 pm IST)