Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સુરતમાં અફીણ વેચાણ માટે આવેલ રાજસ્થાની શખ્સ એસઓજીની જાળમાં સપડાયો

પરપ્રાંતમાંથી ગુજરાતમાં નશીલા પદાર્થો ઘુસાડનાર શખ્સો વિરૂધ્ધની ઝૂંબેશની જવાબદારી ક્રાઈમ અને એસઓજી બ્રાંચને સુપ્રત કરવાની સીપી અજય કુમાર તોમરની રણનીતિને વધુ એક સફળતા : પીઆઈઆર.એસ સુવેરા ટીમના બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સ ફરી રંગ લાવ્યા

રાજકોટ,તા.૨૪: સુરત શહેરને ડ્રગ્સ મુકત બનાવવા માટે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના અભિયાન અંતર્ગત રાજય બહારથી આવતા કેફી પદાર્થો શહેરમાં ઘુસતા રોકવા માટે ક્રાઈમ અર્થાત ડીસીબી બ્રાન્ચના ટોચના અધિકારીઓને વિશેષ જવાબદારી સુપ્રત કરી તેઓના માર્ગદર્શનમાં એસઓજી બ્રાન્ચ પીઆઈને ખાસ કામગીરી સોંપવાનો નિર્ણય કામયાબ નીવડયો છે. રાજસ્થાનના એક શખ્સ પાસેથી અફીણનો જથ્થો સુરતમાં બંધાણીઓ સુધી પહોંચે તે પહેલાં ઝડપી લેવાયો છે.

ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જીના પીઆઈ આર.એસ.સુવેરા તથા પીએસઆઈ વી.સી.જાડેનાઓએ સુરત શહેરમાં નાર્કોટીકસ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃતિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી. પીસી રામજીભાઈ મોહનભાઈ, એએસઆઈ બાબુભાઈ સુરજીભાઈ, એએસઆઈ હિતેષસિંહ દિલીપસિંહ, એચસી બુધાભાઈ ડાહ્યાભાઈ, એચસી ધવલ વાલજીભાઈ, એચસી રામજીભાઈ મોહનભાઈ, એચસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ તથા એચસી અજયસિંહ રામદેવસિંહ સાથે ગોડાદરા દેવધ રોડ શિવ પાર્ક સોસાયટી પ્લોટ નં.૧૧૭ના બીજા માળે રેઈડ કરી આરોપી ચંપાલાલ S/O વસ્તારામ નકુમ પરમાર (ઉ.વ.૪૩) રહે. એજન મુળ વતન ચારભુજા મંદિર પાસે પાંચેતીયા ગામ થાના મારવાડ જંકશન જી.પાલી (રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી પ્રતિબંધીત અફીણનો જથ્થો વજન ૩૮૨ ગ્રામ અને ૯૨૦ મીલી ગ્રામ કિં.રૂ.૧,૧૪,૮૭૬/- તથા વજનકાંટો, મોબાઈલ ફોન મળી કુલ કિં. રૂ.૧,૨૫,૩૭૬નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

અત્રે એ યાદ રહે કે, સુરત એડી. પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસી પી આર. આર. સરવૈયા દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત મહત્વની બ્રાન્ચમાં ફરજ બજવનારા એસઓજી પીઆઈ આર.એસ. સુવેરાને ખાસ અપાયેલ સૂચના પણ રંગ લાવી છે.

(11:21 am IST)