Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભાજપ સાંસદે મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર: ગુંડા તત્વો સામે પોલીસના નરમ વલણ અપનાવી રહી હોવાનો આક્ષેપ

અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાની વાત વચ્ચે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોય તેમ જણાય છે.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. જેના લીધે સમાજમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે. ભાજપ સાંસદના પોલિસ વિરુદ્ધ ના આ આક્ષેપથી હાલમાં ખળભળાટ મચી ગયો છે.ગુજરાત સરકાર અલગ કાયદો બનાવી ગુંડા તત્વોની શાન ઠેકાણે લવાઈ હોવાના બણગાં ફૂંકી રહી છે ત્યારે ભાજપ સાંસદના આ આક્ષેપ બાદ સરકારના કાયદા ફક્ત કાગળ પર હોય તેમ જણાય છે.

સરકાર સંવેદનશીલ સરકાર છે તથા રાજ્યનો વિકાસ પણ ખુબ જ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે.તેને કોઈ પણ નકારી શકે તેમ નથી,ગુજરાતમાં કાયદો અને સલામતી માટેની કામગીરી પણ ઉત્તમ પ્રકારની છે.આપણી રાજ્ય સરકારે ગુંડાધારાનો કાયદો બનાવીને અસામાજીક તત્વોમાં ખૂબ જ ડર પેદા કર્યો છે.તે સ્વીકારવું પડે તેમ છે.પરંતુ હજુ પણ ઘણા લોકો રાજકીય પક્ષોના ઓથા હેઠળ સમાજ ના નિર્દોષ માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે અને આવા તત્વોની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે.જેના કારણે સમાજ માં આવા તત્વોનો એક પ્રકારનો ડર ઉભો થયો છે.એવો એક દાખલો ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની મોવી ત્રણ રસ્તા ચોકડીની હદ પાસે આવેલ વિશાળ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર કોઈપણ જાતની મંજુરી લીધા વિના માર્ગ હાઇવેના નિયમોનું ઉલ્લંઘન કરી નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

 આ બાબતની જાણ અગાઉ સરકાર માં તથા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્રના રૂપમાં આ વિસ્તારના આગેવાનોએ કરેલી તેના ભાગરૂપે કરાઠાં મોવી ગ્રામ પંચાયતના મહિલા સરપંચએ તેમની ટીમ સાથે આ શોપીંગ સેન્ટરના માલિકને નોટિસ બજાવવા માટે ગયા તો આ મહિલા સરપંચની સામે કેટલાક રાજકીય પાર્ટીના આગેવાનો ૧૦ થી ૧૫ લોકો હથિયારો સાથે ફોર વીલર ગાડીમાં આવીને આ મહિલા સરપંચને ધક્કો મારીને પાડી દીધા અને પોતાની જાતને માથાભારે ગુંડા હોવાની ઓળખ આપી જાહેરમાં બેફામ ગાળો આપી હતી.જે બાબતની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કર્યાના ૧૦ દિવસ થવા આવ્યા છતાં પણ આ માથાભારે વ્યક્તિ તથા તેમના સાગરીતોની પોલીસ ધરપકડ કરી શકી નથી અને પોલીસ આરોપીને પકડવાને બદલે તેમના  આગોતરા જામીન લાવવા ગુનેગારોને સમય અને માર્ગદર્શન આપી રહી છે અને નેત્રંગ તાલુકાનું વહીવટીતંત્ર પણ ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર બાંધવામાં આવા તત્વોને મદદ કરી રહેલ છે.તેથી આપને જણાવવાનું સરકાર ગુંડાઘારો તથા દારૂબંધીનો કડક કાયદો ગમે તેટલો મજબૂત બનાવે પરંતુ આ નીચેના તંત્રમાં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી આ કાયદો માત્ર પેપર સુધી જ રહેવાનો છે . તેથી આ મોવી ચોકડી ત્રણ રસ્તા પાસેનું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર જે પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે , તેને દૂર કરવામાં આવે અને મહિલા સરપંચ પર હુમલો કરનાર પોતાની જાતને ગુંડા તરીકે પ્રસ્થાપિત કરનાર ઈસમની સામે તાત્કાલિક  કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવા આવે તેવી રજુઆત મનસુખભાઇ વસાવા એ સીએમ રૂપાણી ને પત્ર દ્વારા કરી છે

(7:34 pm IST)
  • આજથી 3 દિવસ માટે પંજાબ બંધ : કૃષિ બિલના વિરોધમાં 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન બંધનું એલાન : રેલ રોકો આંદોલનને કારણે અનેક રૂટની ટ્રેનો બંધ રહેશે : અમુક ટ્રેનોના સમય બદલાશે : વાહન વ્યવહાર ઉપર અસર થશે : આંદોલનકારીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવા પોલીસ ડિપાર્ટમેન્ટને રાજ્ય સરકારની સૂચના : શાંતિપૂર્ણ આંદોલન કરવા અનુરોધ access_time 11:53 am IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 58 હજારથી વધુ કેસ ઉમેરાયા :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો access_time 10:22 pm IST

  • ચાઇના સાથે વધતાં ઘર્ષણ વચ્ચેના સરહદ પર સૈન્યની સરળ હિલચાલ માટે તૈયાર થયા 43 પુલો - રાજનાથ સિંહ ઉદ્ઘાટન કરશે : તમામ પુલો બીઆરઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પુલોનું ઉદઘાટન કરશે : આ સાથે રાજનાથસિંહ તવાંગ જતી ટનલનો શિલાન્યાસ પણ કરશે : આ સાથે 3 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી રોહતાંગ (અટલ) ટનલનું ઉદઘાટન કરશે access_time 8:40 am IST