Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

એટીએમથી પૈસા ઉપાડવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ

અમદાવાદ શહેરના મેઘાણીનગરની ઘટના : પૈસા ઉપાડવા ગયેલી યુવતીની મદદના બહાને વ્યક્તિએ તેનું એટીએમ કાર્ડ બદલી ૪૦ હજાર ઉપાડી ઠગાઈ કરાઈ

અમદાવાદ,તા.૨૪ : હાલ સાયબર ક્રાઇમના કિસ્સાઓ ઘણાં સામે આવી રહ્યાં છે. લોકોને ઉલ્લુ બનાવીને ટોળકીઓ હજારો-લાખો રૂપિયા ઠગી લેતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એટીએમમાં  પૈસા ઉપાડવા ગયેલી એક યુવતીની મદદ કરવાના બહાને અજાણી વ્યક્તિએ તેનું એટીએમ કાર્ડ બદલી ૪૦ હજાર રૂપિયા ઉપાડી ઠગાઈ કરી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં રીટાબહેન રાય એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. દરમિયાન કોઇ અજાણી વ્યક્તિએ બહારથી આવીને તેમની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ લઈ પાસવર્ડ જાણી લીધો હતો. જે બાદ પેલા ગઠિયાએ મહિલાના એટીએમ કાર્ડ સાથે અન્ય કાર્ડ બદલી નાખ્યુ હતું. થોડા સમય બાદ રીટાબહેનના એકાઉન્ટમાંથી ૪૦ હજાર રૂપિયા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો.

              આની જાણ થતા રીટાબહેને પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી છે. શહેરમાં થોડા સમય પહેલા પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરમાં એક ટોળકી અભણ માણસને એટીએમમાં મદદ કરી ચાલાકીથી એટીએમ સ્કેન કરી લેતા હતા અને સ્કેન કરેલા ડેટાના માધ્યમથી અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપી માત્ર ત્રણ અને સાત ધોરણ પાસ હતા. તેમ છતા ચાલાકીથી સામાન્ય માણસોને ભોળપણનો લાભ લઇ આ રીતે રૂપિયા એટીએમથી ઉપાડતા હતા. અમદાવાદની ચાંગોદર પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આ તમામ આરોપીના ફોટા તૈયાર કર્યા હતા અને ફોટા અન્ય રાજયના પોલીસ સોશિયલ મીડિયા ગૃપમાં ફોરવર્ડ કરાયા હતા.જેમાં હરિયાણા પોલીસે આ આરોપીની ઓળખ કરી હતી. જેથી હરિયાણાથી આ બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

(7:31 pm IST)