Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આણંદ જિલ્લાના હાઇવે માર્ગ પરથી વાહનોના ગુપ્ત ખાન બનાવી માલ સામાનની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

આણંદ: જિલ્લાના હાઈવે માર્ગો પરથી વાહનોમાં ગુપ્ત ખાના બનાવી તેમજ વિવિધ માલ-સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આણંદ એલસીબી પોલીસે બૂટલેગરોની વધુ એક મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડતા પીકઅપ વાનમાં ક્રેન બનાવી પાછળના ભાગે ગુપ્ત ખાનામાં છૂપાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે  બે શખ્સોને ઝડપી પાડયા હતા.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન એક ટાટા પીકઅપ વાનમાં વાહન ખેંચવાની ક્રેન બનાવી પાછળના ભાગે ગુપ્ત ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનના ઉદયપુરથી  આણંદના ઉમરેઠથી પણસોરા થઈ નડિયાદ તરફ લઈ જવામાં આવનાર હોવાની ગુપ્ત બાતમી  એલસીબી પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એલસીબી પો.સ.ઈ. સહિતની ટીમ ખાનગી વાહનમાં ઉમરેઠની ઓડ ચોકડીથી બસસ્ટેન્ડ સુધીના માર્ગ પર છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની ટાટા પીકઅપ વાન ડાકોર તરફથી આવી ચડતા વોચમાં ઉભેલ પોલીસે તેને અટકાવી હતી અને ક્રેનના ચાલકનું નામઠામ પૂછતાં તે મદન ચંદુલાલ ખટીક રહે. ગોબુધા જિલ્લો ઉદયપુર, રાજસ્થાન તેમજ તેની સાથે અન્ય એક માણસ સતીશ હેમચંદ્ર નટ રહે. ડુંગરપુર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું.  દરમ્યાન પોલીસે ક્રેનની પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનુ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૪૭ પેટી મળી આવી હતી. જેની અંદાજીત કિંમત રૂા. ૨,૬૫,૯૦૦ જેટલી થવા જાય છે. પોલીસે પીકઅપ ક્રેન તથા મોબાઈલ તેમજ વિદેશી દારૂ મળી કુલ્લે રૂા. ૬,૧૬,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના મદન ખટીક અને સતીશ નટ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરતા તેઓની ક્રેનની આગળ કાલુ ઉર્ફે બાપુ ઉદેપુરવાળો પાયલોટીંગ કરી રહ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ઝડપાયેલ બે શખ્સો સહિત કાલુ ઉર્ફે બાપુ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 pm IST)
  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ : અનેક કર્મચારીઓને કોરોના વળગ્યોઃ યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ :ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટઃ પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના : યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ access_time 4:03 pm IST