Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરતમાં વધુ એક કોરોનાના ઇન્‍જેકશનનું કૌભાંડઃ જાગૃત નાગરિકે પુરાવા સાથે આરટીઆઇ કરીને આરોગ્‍ય મંત્રીને ફરિયાદ કરી

સુરતઃ સુરતમાં ફરી ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલના નામે ઇન્જેક્શનનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જાગૃત નાગરિક તુષાર મેપાણીએ પુરાવા સાથે ખુલાસો કર્યો છે.

ટોસિલિજુમેબની ભ્રષ્ટાચારની કિંમત 31 હજારથી લઈ 58 હજાર પહોંચી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 4800થી લઈ 60 હજાર પર પહોંચી છે. સિવિલમાં 4800ની MRP વાળા ઇન્જેક્શનના 5400 રૂપિયા થઈ ગયા છે. આ અંગે પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ RTI અને ઇન્જેક્શનના બિલ સાથે આરોગ્ય મંત્રીને ફરિયાદ થઈ છે.

અગાઉ થયું હતુ કૌભાંડ

સુરત શહેરમાં ટોસિલિઝુમાબ ઇન્જેકશન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારી કહેર છે ત્યારે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેકશનની કાળાબજારી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવેલી બંને કંપનીઓને લઇને સુરત શહેરના કેમિસ્ટ એસોસિયેશને ખુલાસો કર્યો છે કે આ બંને કંપનીઓ કેમિસ્ટ એસોસિએશનના સભ્યા નથી. આમ હાલ ઇંજેકશન કૌભાંડમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. આ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જો કે અમદાવાદ સિવિલના સુપ્રીટેન્ડેન્ટે આ અંગે સ્પષ્ટતા કરી કે તે સિવિલનો કર્મચારી નથી.

તમામ સામે ફોજદારી કેસ થશે : ફૂડ અને ડ્રગ કમિશનર

કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ઇંજેકશનનો પર્દાફાશ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું કે કોરોના દર્દીના સારવાર માટે વપરાતું ઇંજેકશન 40 હજારની કિંમતનું છે. જે 50 હજારમાં ખરીદવામાં આવ્યું અને 57 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં એક ઈન્જેક્શન પાછળ 17 હજારની કમાણી કરી છે. લાયસન્સ ન હોવા છતાં ઈન્જેક્શન વેચવામાં આવતા હતા. સરકારી સ્ટોકમાંથી કાળાબજારી થયાનું ધ્યાને આવ્યું નથી. નામ વગરના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરાતો હતો. છુટક ઈન્જેક્શનો ખરીદવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. બેથી વધુ વ્યક્તિઓ મારફતે ઈન્જેક્શન પહોંચાડવામાં આવતા હતા. 3 ઈન્જેકશન જપ્ત કરવામાં આવ્યા છે. તમામ સામે ફોજદારી કેસ દાખલ કરાશે.

(4:58 pm IST)