Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સમગ્ર રાજ્યમાં મેટરનીટી હોમ-હોસ્પિટલોએ જન્મ- મૃત્યુની નોંધ ઓનલાઇન ફરજીયાત કરવી પડશે

હવે ગમે તે સ્થળે જન્મ - મૃત્યુ થયુ હોય તો પણ ગમે તે સ્થળેથી વેરીફીકેશન થઇ શકશે : સરકારે https://eolakh.gujarat. gov.in ખાસ વેબ પોર્ટલ શરૂ કર્યુ છે : જેમાં જન્મ-મૃત્યુ નોંધ કરવાની રહેશે : નોંધણી કેમ કરવી તેની તાલીમ મ્યુ. કોર્પોરેશન દ્વારા અપાશે

રાજકોટ તા. ૨૪ : હવેથી રાજ્યના તમામ મેટરનીટી હોમ તથા હોસ્પિટલોએ જન્મ-મૃત્યુની નોંધ રાજ્ય સરકારના ખાસ વેબ પોર્ટલ ઉપર કરવાનું ફરજીયાત બનાવાયું છે જે અંગેની તાલીમ મ્યુ. કોર્પોરેશનના જન્મ-મૃત્યુ નોંધ વિભાગ દ્વારા આપવામાં આવનાર છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજય આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી સંપુર્ણ ઓનલાઇન પ્રક્રીયાથી કરવા સારૂ વેબ પોર્ટલ તૈયાર કરેલ છે. આ પોર્ટલનું સરનામું https://eolakh.gujarat. gov.in છે.

સમગ્ર ગુજરાત રાજયમાં જન્મ – મરણ થયેલ તેમજ મૃત જન્મના થયેલની નોંધણી ફરજીયાત પણે આજ પોર્ટલમાં કરવા માટે કમિશ્નરશ્રી આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર દ્વારા તા. ૨૦ ફેબ્રુઆરીના હુકમ કરેલ છે.

રાજય સરકારશ્રીના હુકમ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પીટલને ઓનલાઇન તાલીમ આપેલ છે. જે તમામ હોસ્પીટલના યુઝર આઇ. ડી તેમજ પાસવર્ડ તૈયાર છે. તે તમામ હોસ્પીટલને તા. ૨૫ સપ્ટેમ્બર અને તા. ૨૬ સપ્ટેમ્બરના સવારે ૧૦.૩૦ કલાકથી સાંજના ૬ કલાક સુધી ઇ-ઓળખમાં કામગીરી કરવા અર્થેના આઇ. ડી. / પાસવર્ડ મેળવવા આવવાનું રહેશે જેની સાથે પોતાની હોસ્પીટલના નમુના-ક નું ધી બોમ્બે નર્સીંગ હોમ રજીસ્ટ્રેશનનું નમુના–ક નું પ્રમાણપત્રની નકલ સાથે લાવવાની રહેશે અને તેનું ફોર્મ રાજકોટ મહાનગરપાલીકાની વેબ સાઇટ https://rmc.gov.in/rmcwebsite/docs/forms/HospitalRegistrationForm.pdf પર ઉપલબ્ધ છે તે ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી સહિ સિક્કા સાથે રજુ કરવાનું રહેશે. સાથો સાથ વોટસએપ ગ્રુપમાં પણ આ ફોર્મ મોકલવામાં આવેલ છે.

જો કોઇ હોસ્પીટલ આ તાલીમ બાકી રહી ગયેલ હશે તો ફોર્મ ભરવાની સાથે તેઓને તાલીમની વ્યવસ્થા જન્મ - મરણ વિભાગ દ્વારા કરી આપવામાં આવશે વિશેષ માહીતી અર્થે જન્મ મરણ વિભાગના સબરજીસ્ટ્રારશ્રીને રૂબરૂ તેમજ ફોન નં ૦૨૮૧ – ૨૨૨૧૫૮૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:51 pm IST)