Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અમદાવાદના પૂર્વ ગૌતમ શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ : SVP માં દાખલ કરાયા

મેયર બિજલ પટેલ આવતીકાલે ટાગોર હોલ ખાતે ટેસ્ટ કરાવશે

અમદાવાદઃ અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  તેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે આ અગાઉ સંખ્યાબંધ કોર્પોરેટરો તથા ધારાસભ્યો, સંસદ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તાજેતરમાં જ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતાં રજા આપવામાં આવી છે. આવતીકાલે સવારે 10/15 કલાકે મેયર બિજલ પટેલ ટાગોર હોલ ખાતે ટેસ્ટ કરાવવા માટે જવાના છે.

આગામી 25મી સપ્ટેમ્બરના રોજ ટાઉન હોલ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સિલરોના પણ ટેસ્ટ થશે. જેમના રિપોર્ટ નેગેટીવ આવશે તેઓ જ આ બેઠકમાં ભાગ લઇ શકશે. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવનારા કાઉન્સિલરો ઘરેથી ઓનલાઇન બેઠકમાં હાજરી આપવાની રહેશે

અગાઉ 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેઓ 14 દિવસ ઘરે હોમ કવોરોન્ટાઇન થયા હતા. ગઇકાલે તા.22મી સપ્ટેમ્બરે 14 દિવસ પૂર્ણ થયા છે તેઓ સ્વસ્થ હોવાનું તેમણે જાહેર કર્યું છે.

ગૌતમ શાહ  ઉપરાંત અગાઉ એ.એમ.ટી.એસ.ના ચેરમેન અતુલ ભાવસાર ઉપરાંત ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમને સારવાર માટે સરદાર વલ્લભભાઇ પટેલ ( એસવીપી) હોસ્પિટલમાં દાખલ કર્યા છે.autam Shah

કોર્પોરેટર મયુર દવેની સાથે અત્યારસુધીમાં 30 જેટલાં કોર્પોરેટરો કોરોનાના ઝપટમાં આવ્યા હતા. જેમાં બે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું છે. આ ઉપરાંત શહેરના ચાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૈહાણ તથા બલરામ થાવાણીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત 1441 ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ અને સફાઇ કામદારોમાં 5 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા.

શહેરમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિંગનું કાર્ય હાથ ધર્યું છે. ત્યાં સુધી કે શહેરના તમામ વોર્ડમાં કેમ્પો ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રેઇનમાં અમદાવાદ આવતાં મુસાફરોના ટેસ્ટિંગની કાર્યવાહી પણ પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત સંક્રમણ ઘટાડવા માટે ઠેર ઠેર સરપ્રાઇઝ ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

(10:39 pm IST)