Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નવા વિધેયકથી ટપોરીઓની શાન ઠેકાણે લાવી શકાશે

અસામાજિક પ્રવૃત્તિ અટકાયત સુધારા વિધેયકઃ દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ અને નશાનો વેપાર જેવી પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી

ગાંધીનગર,તા.૨૩: ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ગૃહરાજય મંત્રી જાડેજાએ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સુધારા વિધેયક રજૂ કરતા કહ્યુ કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી એટલે આ વિધેયક લાવવામા આવ્યુ છે.

                 ગાંધીના ગુજરાતમાં રાજયની સાડા છ કરોડ જનતા રાજયમાં પોતાને વધુ સુરક્ષિત અને સલામત મહેસૂસ કરી શકે એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ દેશના અન્ય કાયદાઓનો અભ્યાસ કરીને ગુજરાતમાં પણ આવો કાયદો અમલી બનાવવા વિચાર રજૂ કર્યો હતો. આ કાયદો સન્માનનીય ગૃહ સમક્ષ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌરવવંતા નેતૃત્વ હેઠળ ગુજરાતની શાંતિ, સમૃધ્ધિ અને સલામતીનો જે વારસો આપણને સહુને પ્રાપ્ત થયો છે તેને જાળવી રાખી, ગરવી ગુજરાતની ભૂમિ ઉપર સાડા છ કરોડ ગુજરાતીઓની સામાજિક સમરસતા ક્યારેય ન ડહોળાય અને લોકો ભયમુક્ત રહે તથા ગુંડા ટપોરીઓની શાન ઠેકાણે લાવવી એ આ કાયદો લાવવાનો ઉમદા હેતુ છે. ગુંડાઓના કારણે ગુજરાતનુ નામ બદનામ થાય એ અમારી સરકાર હરગીઝ ચલાવી લેવા માંગતી નથી. મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત શાંત, સલામત અને સમૃધ્ધ બની રહે, કોઇ ગુંડા તત્વો ગુજરાત સામે આંખ ઉંચી ન કરે, કે ગુજરાતની વિકાસયાત્રાને રુંધે કે રોકે નહિ તેવા આશય સાથે અમારી સરકાર આ વિધેયક લાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી અમારી સરકાર ઇચ્છે છે કે આ કાયદા પછી ગુંડાગીરી છોડો અથવા ગુજરાત છોડો આ બે જ પરિસ્થિતિ બચે. જેમ ભગવાન શિવના ઉપાસકો ભગવાન શિવને નિખિલ ભય હરમના નામથી ઓળખે છે કે જે સમગ્ર બ્રહ્માંડના ભયને હરનાર છે તેવી જ રીતે આ કાયદો આ સન્માનનીય ગૃહમાં પસાર થવાથી સમગ્ર ગુજરાત રાજય વિજય રુપાણી અને અમારી બીજેપીની સરકારને ગુજરાતના ભયને હરનાર તરીકે ઓળખશે. મંત્રીએ ઉમેર્યુ કે, ગત દશકામાં દેશ અને રાજ્યની પોલીસ સામે આંતકવાદ અને કોમવાદ જેવા પડકારો હતા. અગાઉ કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં છાશવારે કોમી હિંસા અને જેવી બદીઓએ સમાજની શાંતિને ડહોળી નાંખી હતી. રાજ્યના વિવિધ નગરો ગુંડાઓના નામે ઓળખાતા હતા. નગરો તો ઠીક, પરંતુ નાના એરિયા પણ કોંગ્રેસના શાસનમાં ટપોરીઓના નામે ઓળખાતા હતા. રાજુ રિસાલદાર, લતીફ જેવા ગુંડાઓએ ૧૯૮૫માં સમગ્ર ગુજરાત રાજયને બાનમાં લીધું હતું. કોંગ્રેસના શાસનમાં છાશવારે કરફ્યુની નવાઇ ન હતી. છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યે ઔધૌગિક, સામાજીક અને આર્થિક ક્ષેત્રમાં ઘણી સિધ્ધીઓ હાંસલ કરી હોવાથી દેશના અન્ય રાજ્યો તરીકે આપણને અનુસરે છે. એનું એક કારણ એ છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુનાનો દર ખૂબ ઓછો છે.  વર્ષ ૨૦૧૮ના અધ્યતન આંકડાઓ પ્રમાણે ગુજરાત મહદ અંશે તમામ પ્રકારના ગંભીર ગુનાઓના પરિપ્રેક્ષ્યમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ ધરાવે છે અને તેનું સ્થાન સૌથી ઓછો ગુનાખોરી ધરાવતાં રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. તે માત્રને માત્ર અમારી રાજકિય ઇચ્છા શક્તિને પરિણામે જ શક્ય બન્યુ છે. મંત્રીએ ગૃહમાં બિલ રજુ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ગુજરાતમાં ક્રાઇમ તો હાલમાં પણ ઘણો ઓછો જ છે. સરકાર આ જે પગલાંઓ લઇ રહી છે, તે ક્રાઇમ વધુ છે એટલે નહિ, પરંતુ ક્રાઇમ હજુ પણ ઘટે, ગુજરાત વધુ શાંતિપ્રિય બને, માલ-મિલકતની સલામતી વધે, બહેનો-માતાઓની સુરક્ષામાં હજુ પણ વધુ વધારો થાય, ટૂંકમાં ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ જવાના અમારા આ પ્રયાસો છે અને તે માટે અમારી સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક નિર્ણાયક પગલાઓની હારમાળા સર્જી છે. એક નિશ્ચિત હેતુ તથા સમયબધ્ધ આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા ૫ વર્ષમાં નશાબંધી અધિનિયમ, શસ્ત્ર સુધારા અધિનિયમ, ચેઇન સ્નેચીંગ અંગેની જોગવાઇ, ગૌમાંસ અને ગૌવંશ સબંધીત કાયદામાં સુધારો સહિતના કાયદાઓમાં ફેરફાર કરી કાયદાઓ વધુ કડક કર્યા છે.

(10:25 pm IST)
  • બુમ બુમ બુમરાહ :બુમરાહે ગઈકાલે તેની પહેલી ૩ ઓવરમાં ફકત પાંચ રન આપીને રસેલ અને મોર્ગન જેવી મોટી વિકેટ આપી હતી. જો કે તેની ચોથી ઓવરમાં કમીન્સે ચાર સિકસર સાથે ૨૭ રન ઝૂડી કાઢ્યા હતા. access_time 2:51 pm IST

  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ : અનેક કર્મચારીઓને કોરોના વળગ્યોઃ યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ :ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટઃ પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના : યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ access_time 4:03 pm IST