Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

બોગસ બિલિંગ કાંડમાં નાસતા ફરતા પ્રવિણ તન્નાની ધરપકડ

સિંગદાણા કોમોડિટીમાં ૩૦૪.૧૭ કરોડના બોગસ બિલ બનાવી વેરાશાખની ગેરકાયદે તબદીલી સંદર્ભે કાર્યવાહી

અમદાવાદ,તા.૨૩: જીએસટી દ્વારા તાજેતરમાં જુનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ વગેરે સ્થળોએ સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલ પેઢીઓના કુલ ૩૫ સ્થળોએ સ્થળ તપાસો હાથ ધરવામાં આવેલ હતી. સ્થળ તપાસની કાર્યવાહી દરમિયાન ફલિત થયેલ છે કે, સંજય બાલુભાઈ મશરૂ અને પ્રવીણ ભગવાનજી તન્ના દ્વારા મજુરી કામ તથા સામાન્ય નોકરીઓ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવી ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં જીએશટી નોંધણી નંબરો મેળવવામાં આવેલ. ગુજરાત ખાતે કુલ આઠ જીએસટી નોંધણીનંબર મેળવવામાં આવેલ છે. આ જીએસટી રજીસ્ટ્રેશનના આધારે અન્ય વેપારીઓ પેઢીઓનો માલ રવાના કરવા માટે ઈવે બિલ જનરેટ કરી આપી માલ અન્ય રાજ્યમાં મોકલાવેલ છે. આવી રીતે કુલ ૩૦૪ કરોડના બોગસ વ્યવહારો કરી ૧૫.૨૧ કરોડની સરકારી વેરાકીય આવકને નુકસાન પહોંચાડેલ છે.

             આથી ગુજરાત માલ અને સેવા કર અધિનિયમની જોગવાઈઓ ધ્યાને લઈને જુનાગઢના સંજય બાબુભાઈ મશરૂની તા. ૧૯.૮.૨૦૨૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને હાલ આરોપી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં જુનાગઢના અન્ય એક ઈમસ પ્રવીણ ભગવાનજી  તન્નાની કૌભાંડમાં મહત્વની ભૂમિકા સામે આવેલ. તેથી પ્રવિણ તન્નાને સમન્સની બજવણી કરેલ હતી. જેના અનુસંધાને આરોપી હાજર રહેલ નહી. તેથી વિભાગ દ્વારા આઈપીસીની કલમ ૧૭૪ અન્વયેના કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી. પ્રવીણ તન્નાને શોધવાના ઘણા પ્રયત્નો કરવામાં આવેલ પરંતુ તે નાસતા ફરતા હતા.

(10:24 pm IST)