Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરતમાં બે કરોડના મેફેડ્રોન ડ્રગ્સ અને 56 લાખના ગાંજા સાથે ઝીણવટભરી તપાસ બાદ ૬ શખ્સોની રાઉન્ડઅપ કરાયા : ડ્રગ્સ સપ્લાય કરતા માફીયાઓમા સોપો પાડી ગયો.

આરોપી ટ્રકમાં ખાસ ખાના બનાવી ચોરી ચુપીથી ડ્રગ્સ ધુસણખોરીની તરકીબ નાકામ બનાવાતા સુરત પોલીસ કમિશ્નર અજય તોમર

સુરત : સુરતમાં ચોરી છુપીથી લાખો રૂપીયાના ડ્રગ્સ ધુસણખોરીના ગુન્હેગારોની તરકીબની સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે ધજ્જીયા ઉડાવતા લાખોનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી તપાસના અંતે ૬ શખ્સોની ધરપકડ કરતા માફીયાઓમા સોપો પાડી ગયો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી ગુપ્ત માહિતીને આધારે અંદાજીત સવા કરોડ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ત્રણ યુવકને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડી અલગ-અલગ ત્રણ ગુના દાખલ કર્યાં છે. છે. સાથે 56 લાખના ગાંજા સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ અંતર્ગત એક સવાલના જવાબમાં પોલીસ કમિશ્નર અજય તોમરે ચોંકાવનારી વાત કહી હતી કે, સુરતના દરેક ખૂણામાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.

હાલમાં જ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ડ્રગ્સ પેડલરો અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ પણ છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યભરમાં ડ્રગ્સના રેકેટને તોડવા માટે પ્રયાસ કરી રહી છે, જેમાં તેમને સફળતા પણ મળી છે. સુરતમાં એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતી નાની નાની માછલીઓ અત્યાર સુધી પડકાઈ હતી.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ડુમ્મસ વિસ્તારના કુવાડા ટી સર્કલ પાસે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરી (રહે. એ/203, આશીયાના કોમ્પલેક્ષ, અડાજણ પાટીયા, ન્યુ રાંદેર રોડ, સુરત) ને બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 1011.82 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની અંદાજીત બજાર કિંમત રૂ. 1,01,18,200 છે જે જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે આદિલ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જ્યારે અન્ય એક આરોપી વિનય પટેલ (ઉ.વ. 38 રહે.ઘર નાં. એ/24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા સુરત) ને વરાછા ખાતેના ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેર રોડ ઉપર પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 17.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. જેની બજાર કિંમત રૂ. 1,75,000 છે. આ કેસમાં મુંબઈના રોહનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ગુનો સંકેત શૈલેષ અલલાલીયા ( ઉ.વ. 22 ધાંધો વેપાર રહે. એફ/ 202, રામેશ્વરમ રેજેન્સી, VIP સર્કલ પાસે, ઉત્રાણ, સુરત) સામે નોંધ્યો હતો. પોલીસે દુકાન નં 107, 108 પહેલા માળે, સાયોના પ્‍લાઝા શોપિંગ સેન્ટર, પુણા સીમાડા રોડ સરથાણા ખાતે દરોડા પાડ્યાં હતાં. જેમાંથી રૂ. 30,49,800ની કિંમતનું 304.98 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેસમાં સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ચોથો ગુનો ગાંજાની સપ્લાય કરનારાઓ સામે કર્યો છે. પીએસઆઇ સી. આર. દેસાઇને મળેલ બાતમી હકીકત આધારે પુણાગામ સારોલી રોડ, નેચરવેલી હોમ્સ પાસેથી પસાર થતી ટ્રક નં . GJ – 19 – X – 3614ને અટકાવી હતી. જેમાંથી મિથુન રવિન્દ્ર સ્વાંઈ, ટુંકના ચન્દ્રમણી ગૌડા અને બસંત યુધિષ્ઠિર સ્વાંઇની અટકાયત કરી ટ્રકની તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રકમાં ખાસ ખાના બનાવી ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસ તપાસમાં રૂ. 56,45,100ની કિંમતનો 564.510 કિ.ગ્રા ગાંજો જપ્ત કર્યો હતો.

પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું હતું કે, “એક કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલો સલમાન તથા સંકેત આ ધંધામાં એકબીજા સાથે ઘણા સમયથી સંકળાયેલા છે. મોહંમદ સલમાન પાસેથી મળેલ ડ્રગ્સ પૈકીનો કેટલોક જથ્થો તેણે આરોપી સંકેત પાસેથી તથા કેટલોક જથ્થો અન્ય આરોપી પાસેથી મેળવેલ હોવાનું જણાવ્યું હતું. આદીલ નામનો વ્યક્તિ પણ આ ધંધામાં સામે છે, જેને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. વધુમાં તેમને એમ પણ કહ્યું હતું કે એમડી ડ્રગ્સ મળ્યું છે તેમાં આરોપીઓનું મુંબઈનું કનેકશન સામે આવ્યું છે, મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરી રહી છે, ત્યારે અમે એન.સી.બી. સાથે પણ વાત કરી આરોપીઓની માહિતી આપીશું, જેથી અમારી તપાસમાં મદદ મળી શકે.”

એક સવાલના જવાબમાં અજય તોમરે ચોંકાવનારી વાત કહી હતી કે, “સુરતના દરેક ખૂણામાં ડ્રગ્સ નું વેચાણ થઈ રહ્યું છે. આ ડ્રગ્સ ગરીબથી લઈને અમિર પરિવારના યુવાનો લઈ રહ્યાં છે. પોલીસ સુરતમાં ચાલતા નશાના કારોબાર સાથે જોડાયેલા કોઈને પણ છોડશે નહીં. કમિશ્નરે સુરતના લોકોને અપીલ કરી હતી કે જો તમને ધ્યાનમાં જો કોઈ એવો વ્યક્તિ હોય જે નશાનો આદિ હોય અથવા તો ધંધો કરતો હોય તો અમારો સંપર્ક કરે. જેથી આપણે નશમુક્ત સુરત બનાવી શકીએ.”

(9:30 pm IST)