Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સિરીયલ કિલીંગનું રહસ્ય જાહેર ન કરે તે માટે વિશાલને રહેંસી નાખેલો

માથામાં ગોળી મારી હત્યા કર્યા બાદ લાશનો નિકાલ જ્યાં કરેલ તેવી વખંભર ગટર પાસે હત્યારો સતત ૧૦ દિવસ નિરીક્ષણ માટે ગયેલ : ૧૫ ફૂટ ઉંડી ગટરમાંથી ૨૦ લાખ લીટર પાણી ઉલેચી બહાર કઢાયેલા અવશેષોનો ડીએનએ ટેસ્ટ કરાશેઃ સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં પીઆઈ કે.બી. રાજવીએ સિરીયલ કિલર મદન માળી ફરતો ગાળીયો મજબૂત કર્યો

રાજકોટ, તા. ૨૪ :. સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રાજ્યની એટીએસ ક્રાઈમ બ્રાંચ જેવી એજન્સીઓને દોડતી કરનાર સિરીયલ કિલર મદન માળીએ પોતાની હત્યાઓ સહિતની બાબતોનું રહસ્ય જાણતા અને તેની પાસેથી લૂંટના દાગીનાઓ ખરીદતા જ્વેલર્સ વિશાલને માથામાં ગોળી મારી તેની હત્યા કરી ૧૫ ફૂટ ઉંડી ગટરમાં નાખી દીધાના પગલે સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી શૈલેષ રઘુવંશી અને ખાસ કરીને સીઆઈડી ઈન્સ્પેકટર કે.બી. રાજવીએ ચાર - ચાર દિવસ સુધી ઉઠાવેલી અથાગ જહેમતના પરિણામે ૨૦ લાખ લીટર પાણી ઉલેચીને મેળવેલ અવશેષ વિશાલના જ હોવાનું અને હત્યારો મદન માળી હોવાનું પ્રુફ કરવા માટે અવશેષોનું ડીએનએ કરાવવાનું સીઆઈડીએ નિર્ણય લીધો છે.

મદન માળી પાસેથી હત્યાની કબુલાત બાદ ફાયર બ્રિગેડ બાદ વખમંભર ગટર કે જેમાં બે માણસ અંદર ઉભા રહી શકે તેવી આ ગટરમાંથી અવશેષો શોધવામાં ફાયર બ્રિગેડને સફળતા સાંપડી ન હતી. સીઆઈડી વડા આશિષ ભાટીયાના સૂચનથી પીઆઈ કે.બી. રાજવીએ જ્યાં લાશનો નિકાલ થયેલો તે સ્થળે જ પહોંચી ફાયર બ્રિગેડને વિશ્વાસમાં લઈ અને આ ઘટનાનું મહત્વ સમજાવી પ્રોત્સાહીત કરતા ફરીથી આખી કવાયત શરૂ થઈ હતી અને યોગાનુયોગ જે માથાના ભાગમાં ગોળી મારી હતી તેના અવશેષો જ મળી આવ્યા હતા. સ્થળ પર જ ફોરેન્સિક ટીમને બોલાવી તપાસનો ધમધમાટ બોલાવેલો હતો.

દરમિયાન અકિલા સાથેની વાતચીતમાં પીઆઈ કે.બી. રાજવીએ જણાવેલ કે, સિરીયલ કિલર મદન માળીએ પોતાનુ રહસ્ય જાણતા વિશાલ ભવિષ્યમાં જોખમરૂપ ન બને તે માટે હત્યા કરી હતી. મદન માળીના સ્કેચ જાહેર થયા બાદ વિશાલે એક સમયે એવુ જણાવેલ કે, પોલીસ તને જ આરોપી માની શોધ ચલાવી રહી છે. મદન માળીને લાગ્યુ કે વિશાલ જાતે બચવા માટે પોલીસને પોતાની માહિતી આપી દેશે. આ જ કારણથી તેને બોલાવી તેની હત્યા કરી લાશ વખંભર ગટરમાં ફેંકી દીધી હતી. લાશ કોઈના હાથમાં ન આવે તે માટે હત્યા બાદ ૧૦ દિવસ સુધી સતત લાશનો નિકાલ કર્યો હતો તે સ્થળે જતો એક સમયે અંદર ઉતરી ૫૦૦ મીટર દૂર સુધી લાશનો નિકાલ કરી આવેલ. આમ મદન માળીએ પોતાના લૂંટના માલનો નિકાલ કરતા વિશાલને જ સાવધાની ખાતર રહેંસી નાખ્યો હતો.

(1:21 pm IST)