Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નવરાત્રિને લઇને કડક નિયમ : પાર્કિગ અને ફાયર સેફટી નહીં તો ગરબાની મંજુરી નહીં

રાજકોટ સહિતના ગરબા આયોજકો સાવધાન

અમદાવાદ તા ૨૪ : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજન મામલે પોલીસ કડક હાથે કામ લેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત જેવી ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમ સતત તહેનાત રહેશે. આ સાથે જ પાર્કિગ સલામતી મામલે પણ પોલીસ સખત રહેશે. પાર્કિગસાથે સીસીટીવીની સુવિધા રાખવા સુચન કરાયું છે.

ટ્રાફિક નિયમોથી લઇને સુરક્ષાના નિયમો મામલે આ વખતે પોલીસ કડક વલણ અપનાવશે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં સીસીટીવી રાખવા પડશે. આ સાથે અમદાવાદમાં પાર્કિગમાં સીસીટીવી ફરજીયાત રાખવા પડશે. જો વાહનો જેમતેમ પાર્ક કરેલાં હશે તો ગરબા સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે જ વાહનચાલકોએ હેલ્મેટ ફરજીયાત પહેરવી પડશે. નવરાત્રીને લઇને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સુચન અપાય છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટીનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. પાર્કિગ અને ફાયર સેફટી નહીં હોય એવા ગરબાની મંજુરી નહીં મળે. ફાયર એનઓસી ફકત ૧૨ આયોજકોએ માગી હોવાનું સામે આવ્યું છે. પાર્કિગ સાથે સીસીટીવી સુવિધા રાખવા સુચન કરાયું છે. ઉપરાંત એન્ટ્રી અને એકઝિટ ગેટ પર ઇમરજન્સી સેવા રાખવા સુચના અપાઇ છે.

(11:48 am IST)